Mumbai : વિદ્યાર્થીઓ માટે વિશેષ રસીકરણ અભિયાન, કૉલેજ પરિસરમાં જ અપાશે રસી

23 October, 2021 03:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મિશન યુવા સ્વાસ્થ્ય અભિયાન અંતર્ગત 35 લાખ યુવક-યુવતીઓને રસીના ડોઝ આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સરકાર કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા શક્ય તેટલા લોકોને રસી આપવા માંગે છે. તેના માટે એક ખાસ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. સરકારનું લક્ષ્ય 18થી 25 વર્ષની વયના તમામ યુવાનોને રસી આપવાનું છે. તેથી હવે કૉલેજ પરિસરમાં કેમ્પ લગાવીને રસીકરણ કરવામાં આવશે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ નવભારત ટાઈમ્સ સાથેની ખાસ વાતચીતમાં દાવો કર્યો હતો કે ડિસેમ્બર પહેલા રસી આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. જેઓ રસીકરણ કરાવતા નથી તેમના માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. ઓડિયો-વિડિયો દ્વારા તેમને સમજાવવામાં આવશે કે આ રસી લેવી તેમના માટે કેટલું જરૂરી છે.

આરોગ્ય વિભાગ 25 ઑક્ટોબરથી 2 નવેમ્બર સુધી મિશન યુવા આરોગ્ય અભિયાન ચલાવવા જઈ રહ્યું છે. આ અંતર્ગત રાજ્યની તમામ શાળા-કૉલેજોના વિદ્યાર્થીઓનું રસીકરણ કરવામાં આવશે. આ માટે આરોગ્ય વિભાગ દરેક કૉલેજના સત્તાવાળાઓ પાસેથી ત્રણ રૂમ લેશે. એક ઓરડામાં રજીસ્ટ્રેશન પછી, બીજામાં રસીકરણ અને ત્રીજા રૂમમાં રસીકરણ પછી, અડધો કલાક માટે વેઇટિંગ રૂમ બનાવવામાં આવશે. આ અભિયાનમાં રાજ્યના આરોગ્ય કર્મચારીઓની સાથે કૉલેજ સ્ટાફ અને શિક્ષકો પણ જોડાશે. ત્યાં રસીકરણ માટે જે પણ સામગ્રીની જરૂર પડશે, તે તમામ રાજ્ય સરકાર આપશે.

મિશન યુવા સ્વાસ્થ્ય અભિયાન અંતર્ગત 35 લાખ યુવક-યુવતીઓને રસીના ડોઝ આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. રાજેશ ટોપેએ કહ્યું છે કે કોરોના સામે રક્ષણ માટે રસી આપવી જરૂરી છે. તેમને વિશ્વાસ છે કે કોઈપણ યુવાનો કે જેઓ કોઈ કારણસર કોરોના વિરોધી રસી મેળવી શક્યા નથી, તેઓ આ અભિયાન હેઠળ રસી લેશે.

આરોગ્ય પ્રધાન ટોપેએ દાવો કર્યો કે રાજ્યમાં રસીની કોઈ અછત નથી. અમારી પાસે સ્ટોક છે, તેમ જ કેન્દ્ર સરકાર સતત રસી પૂરી પાડે છે. અમારા લોકોનું ધ્યાન શક્ય તેટલા વધુ લોકોને રસી આપવાનું છે. જોકે, રસીકરણની બાબતમાં મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ પછી બીજા ક્રમે આવે છે, પરંતુ બીજો ડોઝ આપવાની બાબતમાં મહારાષ્ટ્ર સમગ્ર દેશમાં પહેલા ક્રમે છે. અમારું લક્ષ્ય આ વર્ષે ડિસેમ્બર સુધીમાં દરેકને રસી આપવાનું છે.

ઘણા લોકો રસી લેવા માટે તૈયાર નથી, તે બાબતે ટોપે કહ્યું કે તેઓ એ પણ જાણે છે કે કેટલાક લોકોએ રસી લીધી નથી. અમે રસી માટે દબાણ કરીશું નહીં, પણ અમે આવા લોકોને સમજાવીશું અને તેમના માટે કાઉન્સેલિંગ પણ કરાશે. તેમને વીડિયો દ્વારા સમજાવવામાં આવશે કોરોના પ્રતિબંધાત્મક રસી સ્વાસ્થ્ય માટે કોઈ પણ રીતે હાનિકારક નથી. અમારો હેતુ દરેકના જીવન બચાવવાનો છે.

mumbai mumbai news covid vaccine vaccination drive