05 February, 2025 02:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તળ મુંબઈમાં દાદી સાથે રહેતી ૧૭ વર્ષની ટીનેજ છોકરી ૭ જાન્યુઆરીએ ઘરેથી કૉલેજ જાઉં છું કહીને નીકળી હતી. જોકે એ પછી તે પાછી ન ફરી એટલે પરિવારના સભ્યોને ચિંતા થઈ હતી અને તેમણે પોલીસમાં તેના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મામલાની ગંભીરતા જોઈ તપાસ કરી આખરે એ સગીરાને બચાવી તેનું અપહરણ કરનાર ૨૪ વર્ષની યુવતીને ઝડપી લીધી હતી અને તેની સામે અપહરણ અને બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે તપાસ દરમ્યાન બન્નેએ એવું કબૂલ્યું હતું કે તેઓ બન્ને એકમેકના પ્રેમમાં છે. એમ છતાં પોલીસે છોકરી સગીર હોવાથી મહિલા સામે ઍક્શન લીધી હતી, જ્યારે સગીરાને ઘરે ન જવું હોવાથી બાળ સુધારગૃહમાં મોકલી આપી હતી.
ફૅમિલી-મેમ્બરોએ સગીરાને શોધવા માટે સોશ્યલ મીડિયામાં તે મિસિંગ હોવાની પોસ્ટ નાખી હોવાથી સગીરાએ તેની મમ્મીને મેસેજ કર્યો હતો કે તે જાતે પોતાની મરજીથી ઘર છોડી ગઈ હોવાથી તેની ચિંતા કરવી નહીં. આ મેસેજના આધારે પોલીસે તેમનો ફોન ટ્રેસ કર્યો હતો. ગાયબ થવાના અમુક દિવસ પહેલાં વિરારની એક હોટેલમાં તેમણે ફોન કર્યો હોવાનું જણાઈ આવતાં ત્યાં તપાસ કરવામાં આવી. હોટેલના સ્ટાફે કહ્યું હતું કે બે લેડીઝ આવી હતી, પણ તેમને રૂમ આપવામાં નહોતી આવી. હોટેલના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં તેઓ ઝડપાઈ ગઈ હતી. હોટેલની આસપાસના રિક્ષા-ડ્રાઇવરોની પૂછપરછમાં તેમને બસડેપો પર ડ્રૉપ કર્યા હોવાની માહિતી મળી. એ પછી પોલીસને શંકા ગઈ કે મહિલાએ તેનું સિમ-કાર્ડ બદલાવી નાખ્યું હોવું જોઈએ. એથી એ વિસ્તારના સિમ-કાર્ડ વેચનારાઓનો સંપર્ક કરતાં આખરે તેમને મહિલાએ ખરીદેલા સિમ-કાર્ડનો નંબર મળી આવ્યો હતો. આખરે એ નંબર વિરારના એક રિસૉર્ટમાં ટ્રેસ થયો હતો અને પોલીસ ત્રણ દિવસની મહેનત બાદ તેમના સુધી પહોંચી હતી. તેમણે રિસૉર્ટમાં રૂમ લેતી વખતે એમ કહ્યું હતું કે તેઓ બહેનો છે અને એક્ઝામ આપવાની હોવાથી ત્યાં આવી છે. પોલીસે મહિલા સામે અપહરણ, બળાત્કાર અને પીડિત સગીરા હોવાથી પ્રિવેન્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ પણ ગુનો નોંધ્યો હતો. બન્નેની પૂછપરછમાં તેમણે કહ્યું હતું કે તે બન્ને એકબીજાના પ્રેમમાં છે.
એક વર્ષ પહેલાં જ બન્નેના પરિવારને શંકા ગઈ હતી કે તેમની વચ્ચે સંબંધ હોઈ શકે. એથી સગીરાને તેના પરિવારે તેમના અન્ય જિલ્લામાં રહેતા સંબંધીને ત્યાં રહેવા મોકલી આપી હતી. એક વર્ષ પછી સગીરા ત્યાંથી પાછી ફરી હતી.