સલમાન ખાનના ગૅલૅક્સી અપાર્ટમેન્ટમાં પ્રવેશ માટે હવે વેરિફિકેશન ફરજિયાત

24 May, 2025 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિક્યૉરિટીમાં ભયંકર છીંડાં દેખાઈ આવ્યાં એ પછી લેવાયો નિર્ણય

સલમાન ખાનની ફાઇલ તસવીર

સલમાન ખાનને મ‍ળવા માગતા તેના બે ફૅન્સ તેના બાંદરાના ગૅલૅક્સી અપાર્ટમેન્ટમાં ગેરકાયદે પ્રવેશ્યા બાદ તેને મળી તો નહોતા શક્યા, પણ પકડાઈ ગયા હતા. આ બે ઘટના બાદ પોલીસે હવે ગૅલૅક્સી અપાર્ટમેન્ટમાં પ્રવેશ કરવા માગતા દરેક વિઝિટરનું ફરજિયાત આઇડેન્ટિટી વેરિફિકેશન કરવાનું નક્કી કર્યું છે. પોલીસનું માનવું છે કે આમ કરવાથી ગૅલૅક્સી અપાર્ટમેન્ટમાં ગેરકાયદે પ્રવેશ રોકી શકાશે. સાથે જ સલમાનના સિક્યૉરિટી પ્રોટોકૉલમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. હવે પછી પોલીસ ગૅલૅક્સી અપાર્ટમેન્ટમાં આવનાર દરેક વિઝિટરની આઇડેન્ટિટી ચેક કરશે. વળી તે વ્યક્તિની એક્ઝિટ થયાની પણ નોંધ રાખવામાં આવશે.

સામાન્ય રીતે હાઉસિંગ સોસાયટીઓમાં જો કોઈ અજાણી વ્યક્તિ આવે તો ઇન્ટરકૉમ પર તેને જે ફ્લૅટમાં જવું હોય એ ફ્લૅટ-ઓનર સાથે વાત કરી તેને ઉપર જવા દેવી કે નહીં એ કન્ફર્મ કરાય છે અને પછી જ તેને એન્ટ્રી આપવામાં આવતી હોય છે. ત્યારે સેલિબ્રિટી સ્ટાર સલમાન ખાનના બિલ્ડિંગ ગૅલૅક્સી અપાર્ટમેન્ટમાં હવે એ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ થવાની છે તો અત્યાર સુધી કઈ રીતે સિક્યૉરિટી ઑપરેટ કરતા હતા એવા સવાલ પણ કરવામાં આવી રહ્યા છે.  

ટ્રેસપાસિંગની બે ઘટના અંતર્ગત જુનિયર મહિલા આર્ટિસ્ટ ઈશા છાબરિયા સલમાનને મળવાના ઇરાદે ગૅલૅક્સી અપાર્ટમેન્ટ પહોંચી હતી. તેણે સિક્યૉરિટી ગાર્ડને કહ્યું હતું કે તે ચોથા માળના ફ્લૅટમાં જવાની છે એથી ગાર્ડે તેને છોડી હતી. તે પહેલાં લિફ્ટમાં ત્રીજા માળે ગઈ હતી પછી તે ફરી લિફ્ટમાં પહેલા માળે આવી હતી અને ડોરબેલ દબાવી હતી પણ કોઈએ દરવાજો ખોલ્યો નહોતો. એ દરમ્યાન અન્ય એક ગાર્ડ પહેલા માળે આવ્યો હતો, તેણે અજાણી મહિલાને જોઈ પૂછ્યું હતું કે તે કોણ છે અને ત્યાં શું કરે છે. ત્યારે ઈશાએ તેને કહ્યું હતું કે સલમાન ખાને તેને મળવા બોલાવી છે. પોલીસ-તપાસમાં ઈશાએ કહ્યું છે કે તે સલમાનની બહુ જ મોટી ફૅન છે અને એથી તેને મ‍ળવા માગતી હતી. ઈશા છાબરિયા ૨૦૧૬થી મુંબઈમાં રહે છે. તેણે કેટલીક કન્નડા ફિલ્મમાં સાઇડ રોલ કર્યા છે અને કેટલીક ઍડ્વર્ટાઇઝમેન્ટ્સમાં પણ કામ કર્યું છે. તેની તપાસ દરમ્યાન કશું પણ શંકાસ્પદ ન મળ્યું હોવાનું બાંદરા પોલીસે જણાવ્યું હતું.

ટ્રેસપાસિંગની અન્ય ઘટનામાં પકડાયેલા છત્તીસગઢના જિતેન્દ્ર કુમાર હરદયાલ સિંહ પણ તેનો ફૅન હોવાનો અને તેને મળવાનો ઇરાદો ધરાવતો હોવાથી ગૅલૅક્સી અપાર્ટમેન્ટમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. જોકે સિકયૉરિટીએ તેને ઝડપી લીધો હતો. 

Salman Khan bandra mumbai police mumbai mumbai news