અંધેરી: ભારે પવનને લીધે બૅરિકેડ પડતાં વૃદ્ધ મહિલા ઘાયલ, ભયાવહ વીડિયો આવ્યો સામે

22 April, 2025 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Viral Video:

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

મુંબઈના અંધેરી પશ્ચિમ વિસ્તારનો એક એક ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મુંબઈના અંધેરી પશ્ચિમ વિસ્તારમાં ચાલી રહેલા રસ્તાના કામ માટે મૂકવામાં આવેલા ધાતુના બૅરિકેડ ભારે પવાનોને લીધે પડી એક વૃદ્ધ મહિલા પર પડ્યા જેને કારણે મહિલાને ઈજાઓ થઈ હતી. માર્વે રોડ પરના સીસીટીવી ફૂટેજમાંથી લેવામાં આવેલી આ ક્લિપમાં તે ક્ષણનો સમાવેશ થાય છે જ્યારે મહિલા તોફાની હવામાન દરમિયાન રસ્તાના ખોદાયેલા ભાગ પાસે ચાલતી વખતે ઘાયલ થઈ હતી.

વાયરલ વીડિયોમાં વૃદ્ધ મહિલા પર ધાતુના બૅરિકેડ પડતા જોઈ શકાય છે.

વીડિયોમાં, મહિલાને જોરદાર પવન વચ્ચે રસ્તાની બાજુમાં ચાલતી જોઈ શકાય છે. અચાનક, બે ધાતુના બૅરિકેડ તૂટી પડ્યા, જેમાં એક સીધો મહિલાના પગ પર પડ્યો. આ બૅરિકેડ પડતાં મહિલા જમીન પર પડી ગઈ, દેખીતી રીતે ઘાયલ થઈ ગઈ અને ઊભી રહી શકતી ન હતી. આ જોતાં જ રસ્તા પર ચાલતા લોકો ઝડપથી મહિલાની મદદ માટે દોડી આવ્યા અને આ ભારે બૅરિકેડ ઉપાડી મહિલાની મદદ કરી. આ મહિલા સાથે અકસ્માત થયા બાદ તે થોડા સમય સુધી રસ્તા પર બેસી રહી અને થોડા સમયમાંતો ત્યાં લોકોની ભીડ જમા થઈ ગઈ. જોકે આ મહિલાને કેટલી ઈજાઓ થઈ છે જે હજી સુધી જાહેર થયું નથી કે તેની માહિતી મળી નથી, એવો આરોપ છે કે મહિલાને ગંભીર ઈજા થઈ હતી અને તેને મોટી સર્જરીની જરૂર હતી.

આ વીડિયો સૌપ્રથમ X (અગાઉ ટ્વિટર) પર સેફરરોડ્સસ્ક્વોડ હેન્ડલ ધરાવતા યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. પોસ્ટમાં, યુઝરે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને તેના માર્ગ વિભાગને ટૅગ કર્યા, અને તેમને રસ્તાના કામના સ્થળોએ સુરક્ષિત બેરિકેડિંગ સુનિશ્ચિત કરવા વિનંતી કરી. પોસ્ટમાં લખ્યું હતું કે, “અંધેરી-પશ્ચિમમાં તાજેતરની ઘટના: બૅરિકેડ પડી જવાથી ઘાયલ થયેલા વરિષ્ઠ નાગરિકને મોટી સર્જરીની જરૂર હતી. @mybmc @mybmcRoads માર્વે રોડ પર રાહદારીઓને ખોદાયેલા રસ્તાઓ અને વાહનોથી બચાવવા માટે યોગ્ય બેરિકેડિંગ સુનિશ્ચિત કરો. સલામતી પહેલા!”

BMCના ઇન્ફ્રા વિભાગે વાયરલ વીડિયોના પોસ્ટનો જવાબ આપ્યો

જવાબમાં, BMCના ઇન્ફ્રા વિભાગે પોસ્ટને સ્વીકારી, જવાબ આપ્યો, “કૃપા કરીને આ ઘટનાનું ચોક્કસ સ્થળ શૅર કરો જેથી અમે તમને વધુ સારી રીતે મદદ કરી શકીએ.” જોકે, બીએમસી દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી અને મહિલાની સ્થિતિ અથવા તેને મળેલી તબીબી સારવાર અંગે હજી સુધી કોઈ પુષ્ટિ થયેલ અપડેટ નથી. ઘટનાની ચોક્કસ તારીખ અને સમય અંગે કોઈ પુષ્ટિ થઈ કે માહિતી નથી. જોકે, વીડિયોમાં તોફાની પવન અને ધૂળવાળા વાતાવરણને જોતા, એવું અનુમાન કરવામાં આવે છે કે તે 4 એપ્રિલ, 2025 ની આસપાસ કેદ કરવામાં આવ્યો હશે.

mumbai news mumbai viral videos andheri brihanmumbai municipal corporation