13 April, 2026 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
હવામાન ખાતાએ મહારાષ્ટ્ર માટે હીટવેવ અલર્ટ જાહેર કરી છે જેમાં આગામી થોડા દિવસોમાં તાપમાનમાં તીવ્ર વધારો થવાની ચેતવણી આપવામાં આવી છે. કમોસમી વરસાદના થોડા સમય પછી રાજ્યભરમાં પરિસ્થિતિ ગરમ અને સૂકી બની ગઈ છે જે ઉનાળાના તીવ્ર તબક્કાની શરૂઆતનો અણસાર આપે છે. પુણેમાં ગઈ કાલે સીઝનનું સૌથી વધુ તાપમાન ૪૦.૬ ડિગ્રી નોંધાયું હતું અને પારો ટૂંક સમયમાં ૪૨ ડિગ્રીને સ્પર્શે એવી શક્યતા દર્શાવાઈ છે. અકોલામાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રીને પાર ગયું હતું.
હવામાન ખાતાના સિનિયર સાયન્ટિસ્ટ એસ. ડી. સાનપે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે આગામી અઠવાડિયામાં મહારાષ્ટ્રના મધ્ય ભાગોમાં હીટવેવની સ્થિતિનો અનુભવ થવાની સંભાવના છે, તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.
પુણે, સાતારા, સાંગલી, કોલ્હાપુર અને સોલાપુર સહિત મધ્ય મહારાષ્ટ્રમાં તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેવાની ધારણા છે, આકાશ સ્વચ્છ રહેશે અને વરસાદની કોઈ આગાહી નથી.
હવામાન ખાતાના કહેવા મુજબ ઉત્તર મહારાષ્ટ્ર પર હાઈ પ્રેશર બેલ્ટને કારણે ગરમીમાં વધારો થયો હોવાનું જણાઈ રહ્યું છે જેને કારણે જમીનની સપાટીની નજીક ગરમ પવન આવે છે. બીજી બાજુ ચક્રવાતી પવનની પૅટર્ન ભેજને ખેંચી રહી છે, જેને કારણે ડ્રાયનેસ અને ગરમીમાં વધારો થઈ રહ્યો છે.
મુંબઈ ભેજવાળું હોવાથી બફારો વધુ લાગે છે
મુંબઈ અને નજીકના જિલ્લાઓ સહિત કોકણ પ્રદેશમાં ગરમી અને ભેજવાળી સ્થિતિ જોવા મળી રહી છે. તાપમાન ૩૪થી ૩૬ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોય છે, પણ ભેજને કારણે એ ૩૮-૪૦ ડિગ્રી સેલ્સિયસ હોય એવું લાગે છે. ભેજને કારણે રાતે પણ બફારો રહે છે.