કાંદિવલીમાં મહિલાઓ માટે દેશનું પહેલું મોબાઇલ સ્નાનગૃહ શરૂ કરવામાં આવ્યું

12 January, 2025 01:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓને નહાવાની મુશ્કેલી થાય છે એને ધ્યાનમાં રાખીને કાંદિવલી-ઈસ્ટમાં મહિલા માટેના ભારતના પહેલવહેલા મોબાઇલ સ્નાનગૃહની શરૂઆત કરવામાં આવી છે.

કાંદિવલી-ઈસ્ટમાં મહિલા માટેના ભારતના પહેલવહેલા મોબાઇલ સ્નાનગૃહની શરૂઆત કરવામાં આવી

મુંબઈમાં સ્લમ કે બેઠી ચાલમાં રહેતી ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓને નહાવાની મુશ્કેલી થાય છે એને ધ્યાનમાં રાખીને કાંદિવલી-ઈસ્ટમાં મહિલા માટેના ભારતના પહેલવહેલા મોબાઇલ સ્નાનગૃહની શરૂઆત કરવામાં આવી છે.

રાજ્યના કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ આ સ્નાનગૃહનું ઉદ્ઘાટન કર્યા બાદ કહ્યું હતું કે ‘આવા પ્રયાસથી મુંબઈમાં રહેતી ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓની સ્નાન કરવાની સમસ્યાનો અંત આવશે. મુંબઈમાં અસંખ્ય બેઠી ચાલ છે, જેમાં રહેતી મહિલાઓની મુશ્કેલી મારા ધ્યાનમાં આવ્યા બાદ બસની અંદર મોબાઇલ સ્નાનગૃહ બનાવવાની સંકલ્પના તૈયાર કરવામાં આવી હતી. અત્યારે કાંદિવલી-ઈસ્ટમાં મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર કંપનીના યલો ગેટની સામે આવેલા હનુમાનનગરમાં આ સ્નાનગૃહની સુવિધા શરૂ કરી છે. બાદમાં આખી મુંબઈમાં હરતાંફરતાં સ્નાનગૃહ શરૂ કરવામાં આવશે.’

આ હરતાફરતા આધુનિક સ્નાનગૃહમાં શાવર સાથેના પાંચ બાથરૂમ, કપડાં સૂકવવા માટેનાં પાંચ ડ્રાયર, વૉશબેસિન સહિતની સુવિધા છે. આ સ્નાનગૃહમાં ૨૧૦૦ લીટરની પાણીની ટાંકી સહિત ઇલેક્ટ્રિસિટી પણ છે. પાવર માટે જનરેટરનો ઉપયોગ કરવામાં આવશે. નહાવા માટે સમય અને પાણી ન વેડફાય એ માટે બાથરૂમમાં મહિલા સ્ટાફને તહેનાત કરવામાં આવશે. આ સ્ટાફ બાથરૂમમાં મહિલાને પાંચથી દસ મિનિટ સ્નાન કરવા દેશે. ત્યાર બાદ મહિલા બાથરૂમની બહાર નહીં નીકળે તો પાણીની સપ્લાય બંધ કરી દેવામાં આવશે. હરતુંફરતું સ્નાનગૃહ એક જગ્યાએ બાર કલાક ઊભું રાખવામાં આવશે. ત્યાર બાદ બીજા વિસ્તારમાં મોકલવામાં આવશે. અત્યારે એની સર્વિસ ફ્રી રાખવામાં આવી છે.

kandivli mumbai mumbai slums news mumbai news