31 January, 2025 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરલી પોલીસ સાથે બાળકી.
વરલી બી. જે. ખેર માર્ગ પર આવેલા પ્રેમનગર વિસ્તારમાંથી બુધવારે સવારે પાંચ વર્ષની એક બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની તાત્કાલિક તપાસ કરી વરલી પોલીસે ૧૨ કલાકમાં બાળકીનું અપહરણ કરનાર ૪૦ વર્ષની દીપાલી બબલુ દાસની ધરપકડ કરી હતી. બુધવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ બાળકી તેના ઘરની બહાર રમી રહી હતી ત્યારે ચૉકલેટની લાલચ આપી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ મામલે ધરપકડ કરાયેલી મહિલા કોઈ મોટી અપહરણ ગૅન્ગ સાથે જોડાયેલી છે કે શું એ ઉપરાંત બાળકીના અપહરણ બાદ મહિલા તેને કયાં લઈ જવાની હતી એની તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોપી મહિલા દીપાલી દાસ.
ધરપકડ કરવામાં આરોપી મહિલા બંગાળથી છે અને તે પ્રેમનગર વિસ્તારની જ રહેવાસી છે એમ જણાવતાં વરલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રવીન્દ્ર રાટકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ બાળકી તેના ઘરની બહાર રમી રહી હતી એ સમયે આરોપી મહિલા ચૉકલેટની લાલચ આપી બાળકીને પોતાની સાથે લઈ ગઈ હતી. થોડી વાર બાદ તેની મમ્મીને બાળકી ઘરની બહાર ન મળી આવતાં તેણે આસપાસના વિસ્તારમાં તેની શોધ શરૂ કરી હતી. જોકે કોઈ જગ્યાએ બાળકીનો પત્તો ન લાગતાં ઘટનાની ફરિયાદ અમારી પાસે કરવામાં આવી હતી. આ મામલાને ગંભરતાથી લેતાં આ કેસની તપાસ માટે તાત્કાલિક અમે ત્રણ ટીમ બનાવી પ્રેમનગરમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવ્યા હતા જેમાં એક દુકાનમાં લાગેલા CCTVમાં મહિલા બાળકીને લઈ જતી દેખાઈ આવી હતી. ત્યાર બાદ અમે એ વિડિયો વૉટ્સઍપ ગ્રુપ ઉપરાંત પ્રેમનગરના રહેવાસીઓને દેખાડ્યો હતો જેમાં મહિલાની ઓળખ થતાં બુધવારે રાતે આઠ વાગ્યાની આસપાસ મહિલાના ઘરમાંથી બાળકીને તાબામાં લેવામાં આવી હતી અને મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. મહિલા બાળકીને કયાં લઈ જવાની હતી એની પણ તપાસ કરવામાં આવી રહી છે.’