05 November, 2025 08:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્લૅબ પડવાને લીધે છઠ્ઠા અને સાતમા માળના ફ્લૅટને ભારે નુકસાન થયું હતું.
મુંબ્રામાં ૭ માળના બિલ્ડિંગમાં સ્લૅબ તૂટી જતાં બે બાળકોને ઈજા થઈ હતી. સોમવારે રાત્રે ૯.૩૦ વાગ્યાની આસપાસ અલ્માસ કૉલોનીના વફા પાર્કના બિલ્ડિંગની M વિંગમાં આ ઘટના બની હતી. છઠ્ઠા માળે આવેલા એક ફ્લૅટની છતનો સ્લૅબ તૂટી પડ્યો હતો જેને કારણે એની ઉપરના અપાર્ટમેન્ટનું ફ્લોરિંગ તૂટી ગયું હતું. એને લીધે ૫૯ વર્ષનાં એક મહિલા સાતમા માળે ફસાઈ ગયાં હતાં. આ ઉપરાંત છઠ્ઠા માળે આવેલા ફ્લૅટમાં રહેતી ૭ અને ૧૩ વર્ષની બે બાળકીઓને ઈજા થઈ હતી. તેમને સારવાર માટે છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ફાયર-બ્રિગેડની મદદથી ફસાયેલાં મહિલાને બચાવી લેવાયાં હતાં એમ અધિકારીએ જણાવ્યું હતું. બિલ્ડિંગના બાકીના ફ્લૅટ પણ જોખમી સ્થિતિમાં હોવાથી એ તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા. આશરે ૩૦ વર્ષ જૂનું આ બિલ્ડિંગ જોખમી બિલ્ડિંગની યાદીમાં નથી છતાં આ બનાવ બનતાં બિલ્ડિંગની ચકાસણી ન થાય ત્યાં સુધી રહેવાસીઓને સંબંધીઓ સાથે રહેવાની સૂચના આપવામાં આવી છે. બિલ્ડિંગની નજીકમાં એક શેલ્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે.