MVA Meetingમાં ઉદ્ધવ ઠાકરે અકળાયા: શરદ પવાર સહિતના ૨૩ કાર્યકર્તાઓની ગેરહાજરી બાબતે શું કહ્યું?

25 June, 2026 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

MVA Meeting: નાના પટોલેથી લઈને જયંત પાટિલ જેવા મોટા નેતાઓ આવ્યા નહોતા. તે સિવાયના પણ ધારાસભ્યોની મોટી સંખ્યામાં ગેરહાજરીએ ઉદ્ધવ ઠાકરેને નારાજ કરી નાખ્યા હતા.

ઉદ્ધવ ઠાકરે

MVA Meeting: હાલમાં મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે બુધવારે મહાવિકાસ આઘાડીની વિશેષ મેટીંગ બોલાવવામાં આવી હતી. પણ આ બેઠકમાં ત્રણેય પક્ષના ટોટલ ૬૦ નેતાઓમાંથી માત્ર ૩૭ જ હાજર રહ્યા હતા. ૨૩ નેતાઓની ગેરહાજરીએ ફરી એકવાર રાજ્યમાં રાજકારણ ગરમાવ્યું છે.

મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ગેરહાજર

MVAની આ બેઠક (MVA Meeting)માં ઉદ્ધવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળ સાથે સંજય રાઉત, શશિકાંત શિંદે અને સતેજ પાટિલ હાજર રહ્યા હતા. પરંતુ નાના પટોલેથી લઈને જયંત પાટિલ જેવા મોટા નેતાઓ આવ્યા નહોતા. તે સિવાયના પણ ધારાસભ્યોની મોટી સંખ્યામાં ગેરહાજરીએ ઉદ્ધવ ઠાકરેને નારાજ કરી નાખ્યા હતા.

કોણ કોણ રહ્યું ગેરહાજર?

આ મીટિંગમાં નાના પટોલે, વિજય વડેટ્ટીવાર, અમિત દેશમુખ, કોંગ્રેસના અસલમ શેખ, જયંત પાટીલ, રોહિત પવાર, એનસીપીના ઉત્તમ રાવ જાનકર, સંદીપ ક્ષીરસાગર, ઉદ્ધવપક્ષના સુનીલ રાઉત, ગજાનન લવટે અને બાબાજી કાલે વગેરે કાર્યકર્તાઓ આવ્યા ન હોવાની માહિતી મળી છે.

ઉદ્ધવ ઠાકરેએ તો આ અંગે પોતાનો ગુસ્સો ઠાલવતાં એમ પણ કહ્યું કે શું આપણે ખરેખર સાથે છીએ? મીટિંગમાં સાથી કાર્યકર્તાઓને સંબોધતાં ઠાકરેએ પૂછ્યું કે આપણે કહીએ છીએ કે આપણે સાથે છીએ, પણ શું ખરેખર સાથે છીએ? શું આપણે ગૃહમાં મહાવિકાસ અઘાડી (MVA Meeting) તરીકે એક છીએ?  શું આપણે સૌ ભેગા મળીને મુદ્દાઓનો અવાજ ઉઠાવીએ છીએ?

મહાવિકાસ અઘાડી (એમવીએ) ગઠબંધન અંત નજીક?

હાલમાં જ ઉદ્ધવસેનાના છ સાંસદો બળવો કરી એકનાથ શિંદેના પક્ષમાં સામેલ થયા હતા. આ ઘા હજી તો તાજા હોય એમાં ધારાસભ્યોના આટલા મોટા પાયે ગેરહાજરીએ ફરી એકવાર પક્ષના પ્રમુખોને ચિંતામાં મૂકી દીધા છે. આટલી મોટી સંખ્યામાં કાર્યકરોની ગેરહાજરી (MVA Meeting) બાદ રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે મહાવિકાસ અઘાડી (એમવીએ) ગઠબંધનનો અંત નજીક છે.

મીટિંગમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ?

આ બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી જેમ કે વિધાનસભામાં જનસામાન્યના મુદ્દાઓ વધારે ભારપૂર્વક ઉઠાવવાથી માંડીને બધા જ ઘટક પક્ષો વચ્ચે કઇ રીતે વધારે સુમેળ સાધી શકાય તે અંગે પણ ભાર મુકાયો હતો.  તેમણે વિધાનસભા સત્રો દરમિયાન પણ સંયુક્ત રીતે બેઠકો, આંદોલનો અને જનસંપર્ક કાર્યક્રમોનું આયોજન કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં દેશની રાજકીય સ્થિતિ અંગે પણ ચર્ચા કરાઇ. હાલમાં જ થયેલા પક્ષપલટાઓએ રાજકારણ ગરમાવ્યું હતું તે અંગે પણ MVAએ `જે ગયા તેમના વિશે વિચારવા કરતાં, આગળની લડાઈ પર ધ્યાન કેન્દ્રિત કરો` એવો પણ સ્પષ્ટ સંદેશ અપાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

mumbai news mumbai uddhav thackeray shiv sena political news maharashtra political crisis maharashtra maha vikas aghadi sharad pawar raj thackeray eknath shinde