01 January, 2026 07:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નાગપાડાની શુક્લાજી સ્ટ્રીટના એક બિલ્ડિંગના ઘરમાં સોમવાર મોડી રાતે દરોડો પાડીને નાગપાડા પોલીસે વિદેશથી દાણચોરીથી લવાયેલું ૧.૭૫ કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરીને ત્રણ આરોપીની અટકાયત કરી છે. સોમવારે મોડી રાતે શુક્લાજી સ્ટ્રીટના એક બિલ્ડિંગના ઘરમાંથી ધુમાડો નીકળતો હોવાની ફરિયાદ મળ્યા બાદ પોલીસ સામાન્ય તપાસ માટે પહોંચી ત્યારે ત્રણ જણ સોનું પીગળાવતાં પકડાઈ ગયા હતા. ત્રણે જણની પૂછપરછ કરવામાં આવતાં દોઢ કિલો સોનું વિદેશથી તેઓ દાણચોરીથી લાવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. આરોપીઓ સોનાને પીગળાવીને મહારાષ્ટ્રનાં બીજાં રાજ્યોમાં નાના વેપારીઓને વેચતા હોવાની માહિતી મળી હતી.
નાગપાડા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવાર રાતે ત્રણ વાગ્યે પોલીસ કન્ટ્રોલ પર અજાણ્યા યુવકે ફોન કરીને શુક્લાજી સ્ટ્રીટમાંના એક બિલ્ડિંગના ઘરની બારીમાંથી ધુમાડો નીકળતો હોવાનું જણાવ્યું હતું. એના આધારે અમારી બીટ માર્શલની ટીમે ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી ત્યારે જે ઘરની બારીમાંથી ધુમાડો આવી રહ્યો હતો એની તપાસ કરવા ઘરને ખોલાવ્યું ત્યારે ઘરમાંથી ત્રણ લોકો ગભરાયેલી હાલતમાં જોવા મળ્યા હતા. ઘરમાં એક મશીનમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો એટલે એ ઘટનાની જાણ સિનિયર અધિકારીઓને કરવામાં આવી હતી. તેમણે ઘટનાસ્થળે જઈ પૂછપરછ કરી ત્યારે ત્રણ જણે મશીનમાં સોનું પીગળાવતા હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ દોઢ કિલો સોનું કબજે કર્યું હતું. સોનાનું બિલ માગવામા આવતાં તેઓ બિલ દેખાડી નહોતા શક્યા. એ પછી અસલમ મન્સૂરી, સુરેશ માલી અને જિતુ પુરોહિત નામના યુવકોને પોલીસ-સ્ટેશને લાવવામાં આવ્યા હતા. પૂછપરછ દરમ્યાન એ સોનું વિદેશથી દાણચોરીથી લાવવામાં આવ્યું હોવાની કબૂલાત આરોપીઓએ કરી હતી. આ કેસમાં તમામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’