06 November, 2025 12:14 PM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નાગપુર જિલ્લાના એક સ્મશાનમાંથી ૨૩ વર્ષની યુવતીનાં અસ્થિ રહસ્યમય રીતે ગાયબ થઈ જતાં ગામના લોકો અને પોલીસ મૂંઝવણમાં છે. મેલી વિદ્યા કે જાદુટોના માટે કોઈકે અસ્થિ ચોર્યાં હોય એવી શક્યતા ગામના લોકોએ વ્યક્ત કરી છે.
સોમવારે સવારે ઉમરેડમાં રહેતી એક યુવતીએ બીમારીને કારણે જીવ ગુમાવ્યો હતો. પોસ્ટમૉર્ટમ કર્યા પછી મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો અને બપોરે ૧ વાગ્યે ઉમરેડની સ્મશાનભૂમિમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મંગળવારે સવારે જ્યારે યુવતીના સંબંધીઓ સ્મશાનમાં અસ્થિ લેવા ગયા ત્યારે એ ગાયબ હોવાનું જોઈને ચોંકી ગયા હતા. યુવતીના પરિવારને શંકા છે કે કોઈ વ્યક્તિ જાદુટોના માટે રાખ અને હાડકાં લઈ ગઈ છે.
પોલીસે શંકાસ્પદ અને ગેરકાયદે કામ માટે અસ્થિની ચોરી થઈ હોવાનું માન્ય રાખીને અસ્થિ શોધવાનું શરૂ કર્યું છે. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસવા ઉપરાંત સ્થાનિક લોકોની પૂછપરછ કરીને પગેરું શોધવા પોલીસ કાર્યરત હોવાનું ઉમરેડ પોલીસે જણાવ્યું હતું.