05 January, 2025 02:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાગપુરમાં રેતી ભરેલી ટ્રક પર વિધાનસભ્ય આશિષરાવ દેશમુખ ચડી ગયા હતા.
નાગપુરના સાવનેર-કળમેશ્વર ક્ષેત્રમાં શુક્રવારે રાત્રે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક વિધાનસભ્ય આશિષરાવ દેશમુખનો જનસંવાદ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે નદીમાંથી ગેરકાયદે કાઢવામાં આવેલી રેતી ભરેલી ટ્રક મેઇન રોડને બદલે નાના રસ્તામાંથી પસાર થઈ રહી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. વિધાનસભ્યએ ટ્રકને ઊભી રખાવી હતી અને એના પર ચડી ગયા હતા. ટ્રકમાં તાડપત્રીની નીચે રેતી ભરવામાં આવી હોવાનું જણાઈ આવ્યું હતું. આ વિશે બાદમાં વિધાનસભ્ય આશિષરાવ દેશમુખે કહ્યું હતું કે ‘પોલીસ અને સ્થાનિક પ્રશાસનની આંખમાં ધૂળ નાખીને રેતીમાફિયાઓ દ્વારા નાગપુરની નદીઓમાંથી રેતી કાઢીને મધ્ય પ્રદેશ મોકલવામાં આવી રહી હોવાનું જણાઈ આવ્યું છે. આવી રીતે રેતી ચોરવાથી રાજ્યને લાખો રૂપિયાની રૉયલ્ટીનું નુકસાન થાય છે. આથી મેં પોલીસ અને સ્થાનિક પ્રશાસનને રેતીમાફિયાઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાનું કહ્યું છે.’