15 January, 2026 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પિતા-પુત્રી
નાગપુરમાં સગા બાપે દીકરીની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. બુધવારે સવારે ભરઊંઘમાં સૂતેલી આઠ વર્ષની દીકરી પર તેણે ચાકુના ઘા કરી દેતાં તે ગંભીર રીતે ઘવાઈ હતી. સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.
નાગપુરના સરોદેનગરમાં શેખર શેંદરે ભાડાના ઘરમાં રહેતો હતો. તેની સાથે તેની માતા, નાના ભાઈ અને દીકરી ધનશ્રી રહેતાં હતાં, જ્યારે તેની પત્ની શુભાંગી તેને છોડીને જતી રહી છે. શેખરે દીકરી ધનશ્રીને પોતાની પાસે રાખી લીધી હતી. પતિ-પત્ની વચ્ચે દીકરીની કસ્ટડી કોની પાસે રહે એ બાબતે વિવાદ ચાલતો હતો. શુભાંગી ધનશ્રીની કસ્ટડી વારંવાર તેની પાસે માગતી હતી પણ શેખર એ માટે તૈયાર નહોતો. આખરે આ બાબતે શુભાંગીએ કાયદાકીય રીતે આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. એથી શેખરને જાણ થઈ કે હવે તેને ધનશ્રીની કસ્ટડી શુભાંગીને આપવી જ પડશે. એથી તેણે ગુસ્સામાં આવી શુક્રવારે સવારે ભરઊંઘમાં સૂતેલી ધનશ્રી પર ચાકુના વાર કરી દીધા હતા. એથી જાગી ગયેલી ધનશ્રીએ બૂમાબૂમ કરી મૂકી હતી જે સાંભળી ધનશ્રીની દાદી અને કાકા બન્ને દોડી આવ્યાં હતાં. તેઓ લોહીલુહાણ હાલતમાં ધનશ્રીને વાઠોડા પોલીસ સ્ટેશન લઈ ગયાં હતાં જ્યાંથી તેને પોલીસ સરકારી હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. સારવાર દરમ્યાન ધનશ્રીનું મોત થયું હતું. શેખરની માતાએ આ બાબતે ફરિયાદ નોંધાવતાં શેખર સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.
નૅશનલ પાર્કની સિંહણે ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો
નૅશનલ પાર્કના સિંહદંપતી માનસ અને ભારતીને ત્યાં સારા સમાચાર છે. ભારતીએ મંગળવારે રાતે ૩ બચ્ચાંને જન્મ આપ્યો છે. ત્રણે બચ્ચાં સ્વસ્થ અને તંદુરસ્ત હોવાનું નૅશનલ પાર્કની ઑથોરિટીએ જણાવ્યું છે.