એરફોર્સ ઓફિસરની પત્ની સાથે બળાત્કાર, બ્લેક મેજીક અને પછી બળજબરીથી ધર્મ પરિવર્તન

16 June, 2026 02:18 PM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

Nagpur IAF Officer Viral Video: નાગપુરમાં વાયુસેનાના કર્મચારીની પત્નીએ તેના જૂના ક્લાસમેટ અને તેના સાથીઓ પર બળાત્કાર, બ્લેકમેલ, કાળો જાદુ અને બળજબરીથી ધર્મ પરિવર્તનનો આરોપ લગાવ્યો છે; આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર (Maharashtra)ના નાગપુર (Nagpur)માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભારતીય વાયુસેના (Indian Air Force)ના એક કર્મચારીની પત્નીએ તેના શાળા સમયના જૂના ક્લાસમેટ અને તેના સાથીદારો પર ગંભીર આક્ષેપો કર્યા છે. પીડિત મહિલાના જણાવ્યા અનુસાર, આરોપીઓએ તેના પર કાળો જાદુ અને સંમોહન (હિપ્નોટિઝમ) કરી દુષ્કર્મ આચર્યું હતું, તેમજ ફોટા-વીડિયોના આધારે બ્લેકમેલ કરીને લાખો રૂપિયા પડાવ્યા હતા અને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યું હતું.

નાગપુરમાં કાળો જાદુ અને હિપ્નોટિઝમ કરી મહિલા સાથે કર્યું દુષ્કર્મ

નાગપુરમાં એક ૨૪ વર્ષીય મહિલા પર કાળો જાદુ અને હિપ્નોટિઝમ કરી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેનું બળજબરીથી ધર્માંતરણ (Religious conversion) કરાવવામાં આવ્યું હતું. પીડિતા ભારતીય વાયુસેના (Indian Air Force)ના એક અધિકારીની પત્ની છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં મહિલાનું જબરદસ્તીથી ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું હોવાનું દેખાય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

વાયરલ થયેલા વીડિયોમાં પીડિત મહિલા લાચાર થઈને રડતી જોવા મળે છે અને `મને છોડી દો, મને છોડી દો` તેમ કહી રહી છે. બીજી તરફ, મુખ્ય આરોપી ૨૬ વર્ષીય અય્યાઝ તાજ મદારે તેનો હાથ પકડી રાખે છે અને કંઈક પઢતા-પઢતા વારંવાર મહિલા પર ફૂંક મારી રહ્યો છે. આ દરમિયાન મહિલા પોતાનો હાથ છોડાવવા માટે સંઘર્ષ કરતી જોવા મળે છે. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે મુખ્ય આરોપી અય્યાઝ અને તેના સાથી અમીન શેખની ધરપકડ કરી લીધી છે, જ્યારે ત્રીજો આરોપી હઝરત મૌલાના (રહેવાસી- છિંદવાડા, મધ્યપ્રદેશ) હાલ ફરાર છે.

શાળાના જૂના પરિચયનો ફાયદો ઉઠાવ્યો

પોલીસના જણાવ્યા અનુસાર, પીડિત મહિલાનો પતિ વાયુસેનામાં અધિકારી છે અને હાલ અન્ય શહેરમાં તૈનાત છે. જ્યારે મહિલા નાગપુરમાં રહીને પ્રોપર્ટી ડીલિંગનું કામ કરે છે. મુખ્ય આરોપી અય્યાઝ શાળાના સમયમાં મહિલાનો ક્લાસમેટ રહ્યો હતો. આ જૂની ઓળખાણનો ફાયદો ઉઠાવીને ફેબ્રુઆરી ૨૦૨૫માં અય્યાઝે પ્લોટ ખરીદવાના બહાને મહિલાનો સંપર્ક કર્યો અને તેને એક હોટલમાં મળવા બોલાવી હતી. ત્યાં તેણે મહિલાના જ્યુસમાં નશીલી દવા ભેળવી દીધી હતી, જેના કારણે મહિલા બેહોશ થઈ ગઈ હતી. ત્યારબાદ અય્યાઝે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો તથા ફોટા રેકોર્ડ કરી લીધા હતા.

બ્લેકમેલિંગ, આર્થિક પડાવણી અને ધર્માંતરણ

મહિલાએ આક્ષેપ કર્યો છે કે આ ફોટા અને વીડિયોના આધારે આરોપી તેને બ્લેકમેલ કરવા લાગ્યો હતો. તેણે અવારનવાર મહિલાનું શારીરિક શોષણ કર્યું અને તેની પાસેથી લાખો રૂપિયાની પડાવણી પણ કરી હતી. આ ગુનામાં અય્યાઝના સાથી અમીન શેખ અને હઝરત મૌલાનાએ પણ સાથ આપ્યો હતો અને મહિલાનું બળજબરીથી ધર્માંતરણ કરાવ્યું હતું.

તાજેતરમાં જ્યારે મહિલાનો પતિ ઘરે આવ્યો ત્યારે પીડિતાએ તેને આખી આપવીતી જણાવી હતી, જે બાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે દુષ્કર્મ, જબરદસ્તીથી નાણાં પડાવવા, ગેરકાયદેસર ધર્મ પરિવર્તન તેમજ અઘોરી પ્રથાઓ અને કાળો જાદુ નિવારણ અધિનિયમ (બ્લેક મેજિક એક્ટ)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને બે આરોપીઓની ધરપકડ કરી છે અને ત્રીજા ફરાર આરોપી મૌલાનાની શોધખોળ શરૂ કરી છે.

sexual crime Rape Case religion viral videos nagpur maharashtra maharashtra news mumbai mumbai news