31 January, 2026 12:36 PM IST | Baramati | Gujarati Mid-day Correspondent
એક વર્ષથી વધુ સમય સુધી વિલાસે પોતાના નેતામાં વિશ્વાસના પ્રતીકાત્મક સંકેત તરીકે વાળ કપાવ્યા નહોતા
વફાદારી અને શોકના હૃદયસ્પર્શી પ્રદર્શનમાં નાગપુરના નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના એક કાર્યકરે અજિત પવારને શ્રદ્ધાંજલિ આપવા માટે બારામતીની નીરા નદીના કિનારે મુંડન કરાવ્યું હતું. તેની ભાવનાત્મક શ્રદ્ધાંજલિનો એક વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે.
નાગપુર જિલ્લાના ઉમરેડ તાલુકાના પાર્ટી-કાર્યકર વિલાસ ઝોડપેએ ૨૦૨૪ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી અજિત પવાર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન નહીં બને ત્યાં સુધી તે પોતાના વાળ નહીં કપાવે. એક વર્ષથી વધુ સમય સુધી વિલાસે પોતાના નેતામાં વિશ્વાસના પ્રતીકાત્મક સંકેત તરીકે વાળ કપાવ્યા નહોતા. જોકે અજિત પવારના અકાળ મૃત્યુનો અર્થ એ થયો કે તેની ઇચ્છા અધૂરી રહી ગઈ છે.
વિલાસ ઝોડપે નાગપુરમાં મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્ર દરમ્યાન અજિત પવારને મળ્યો હતો, જ્યાં અજિત પવારે તેના લાંબા વાળ જોયા ત્યારે તેમણે તેમની લાક્ષણિક સ્પષ્ટ શૈલીમાં સલાહ આપી હતી. અજિત પવારે તેને કહ્યું હતું કે મુખ્ય પ્રધાન બનવા માટે રાજકીય તાકાત અને સંખ્યાની જરૂર છે, પ્રતીકાત્મક કાર્યોની નહીં. તેમણે ઝોડપેને જાહેર સેવા અને પક્ષ-સંગઠનને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની વિનંતી કરી હતી.
યોગાનુયોગ વિલાસ ઝોડપે ૨૮ જાન્યુઆરીએ સવારે અજિત પવારને મળવા મુંબઈ પહોંચ્યા હતો, જ્યારે જીવલેણ વિમાન-દુર્ઘટનાના સમાચાર આવ્યા હતા. ખૂબ જ સ્તબ્ધ થઈને તે તરત જ બારામતી જવા રવાના થયો હતો. તેણે નાગપુરથી તેની પત્ની અને બે બાળકોને પણ બોલાવ્યાં હતાં અને પરિવારે અજિત પવારના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.
અંતિમ સંસ્કાર પછી વિલાસ ઝોડપેએ નીરા નદી પર મુંડન કરવાની વિધિ કરીને આ કૃત્ય અજિત પવારની સ્મૃતિમાં સમર્પિત કર્યું હતું. સ્થાનિક લોકો સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘નેતાના મૃત્યુ પછી આ પ્રતિજ્ઞાનો કોઈ અર્થ નથી અને આ કૃત્ય અજિત પવારના જીવન અને કાર્ય પ્રત્યે આદરનું અંતિમ ચિહ્ન છે. જે વ્યક્તિ માટે મેં આ પ્રતિજ્ઞા લીધી હતી તે હવે આપણી વચ્ચે નથી. અહીં મુંડન કરીને હું અજિતદાદાના વારસાને આ બલિદાન આપી રહ્યો છું.’