19 October, 2026 07:44 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
મહિલાઓને શસ્ત્રનું પ્રશિક્ષણ આપતા કાર્યક્રમમાં હાજરી આપતી વખતે બોલતા નાગપુરના પોલીસ-કમિશનર વિશ્વાસ નાંગરે પાટીલ.
મુંબઈના ભૂતપૂર્વ ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ તથા સુપરકૉપમાં જેમની ગણતરી થાય છે એ વિશ્વાસ નાંગરે પાટીલ હાલ નાગપુરના પોલીસ-કમિશનર છે. તેમણે એક કાર્યક્રમ દરમ્યાન મહિલાઓને શસ્ત્ર ચલાવવાની તાલીમ લેવાની તથા શસ્ત્ર રાખવાની અપીલ કરી હતી. મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓને ધ્યાનમાં રાખીને તેમણે આ અપીલ કરી હતી.
નાગપુર મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMC) દ્વારા નવરાત્રિ દરમ્યાન મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપવા માટે યોજવામાં આવેલી શિબિર દરમ્યાન વિશ્વાસ નાંગરે પાટીલે કહ્યું હતું કે ‘નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યુરો (NCRB)ના આંકડાઓ મુજબ મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓમાં મહારાષ્ટ્ર આખા દેશમાં અઢારમા નંબરે છે. છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યમાં બળાત્કારના ૭૫૩૫ ગુના નોંધાયા છે. ભારતીય ન્યાય સંહિતા (BNS)એ મહિલાઓને સ્વરક્ષણમાં સામેવાળાનો જીવ લેવાનો પણ અધિકાર આપ્યો છે. જો કોઈ મહિલા મારી પાસે શસ્ત્ર રાખવા માટે લાઇસન્સની માગણી કરશે તો હું તેને લાઇસન્સ આપીશ. પોલીસ-કમિશનર હોવાના હિસાબે મને લાઇસન્સ આપવાનો અધિકાર છે. જોકે અત્યાર સુધી સેલ્ફ-ડિફેન્સ માટે શસ્ત્રનું લાઇસન્સ મેળવવા માટે મારી પાસે એક પણ મહિલા આવી નથી.’