16 March, 2026 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયા પર ફ્રેન્ડશિપ કરવી કેટલું ખતરનાક હોઈ શકે છે એનું ભયંકર ઉદાહરણ કર્જતમાં સામે આવ્યું છે. નાગપુરના એક સિનિયર સિટિઝનને ફેસબુક દ્વારા કર્જત બોલાવવામાં આવ્યા હતા અને પછી તેમનું અપહરણ કરીને લાખો રૂપિયા પડાવવાની ધમકી આપવામાં આવી હતી. આ કેસમાં કર્જત પોલીસે કાર્યવાહી કરીને એક યુવતીની તેના સાથી સાથે ધરપકડ કરી હતી, જ્યારે ત્રીજો આરોપી ફરાર છે.
ફેસબુક દ્વારા સંપર્ક
પોલીસ આ બનાવ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘એક યુવતીએ ફેસબુક દ્વારા નાગપુરના એક સિનિયર સિટિઝનનો સંપર્ક કર્યો હતો. સામાજિક કાર્યકરના નામે પોતાની ઓળખાણ આપી વિશ્વાસ મેળવીને તેણે કહ્યું કે તે બન્ને આંબેડકર સમુદાયના છે. થોડા દિવસની વાતચીત પછી તેણે સિનિયર સિટિઝનને કર્જતમાં મળવા માટે ફોન કર્યો હતો. ૮ માર્ચે સિનિયર સિટિઝન એક કાર્યક્રમ માટે પુણે આવ્યા ત્યારે યુવતીએ તેમને કર્જત રેલવે-સ્ટેશન પર ઊતરવા કહ્યું હતું. અહીં તેમને કારમાં બેસાડવામાં આવ્યા જ્યાં અન્ય બે આરોપીઓ હાજર હતા. ત્રણેએ મળીને સિનિયર સિટિઝનનું અપહરણ કરીને તેમને એક ઘરમાં ગોંધી રાખ્યા હતા. ત્યાર બાદ ડ્રગ્સ પીવડાવીને કપડાં ઉતાર્યા પછી આરોપીએ તેમના મોબાઇલ દ્વારા ઑનલાઇન લોન લેવા દબાણ કર્યું હતું. પછી આરોપીએ તેમના ખાતામાંથી મોટી રકમ તેમ જ ઑનલાઇન ક્વિક લોન દ્વારા મળેલા પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત આરોપીએ રોકડ, મોબાઇલ ફોન, સોનાની ચેઇન અને વીંટી જેવી કીમતી વસ્તુઓ છીનવીને લગભગ ચારથી પાંચ લાખ રૂપિયાની ઉચાપત કરી હતી.’ ત્યાર બાદ ૧૦ માર્ચે સિનિયર સિટિઝને કર્જત પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. બન્ટી-બબલીની આ જોડીએ ભૂતકાળમાં પણ ઘણા લોકોને આ જ રીતે ફસાવીને છેતરપિંડી કરી હોવાનું જણાવીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.