30 July, 2026 02:45 PM IST | Nagpur | Gujarati Mid-day Online Correspondent
પ્રાર્થના કરતો ચોર (ડાબે) અને દાનપેટી તોડતો (જમણે) (વાઇરલ વિડિયોમાંથી સ્ક્રીનશૉટ)
અયોધ્યા રામમંદિરની દાનચોરીનું પ્રકરણ તાજું છે, જેણે આખા દેશમાં ચકચાર મચાવી છે. હવે મહારાષ્ટ્રના નાગપુરમાંથી મંદિરમાંથી દાનચોરી (Nagpur Temple Theft)નો એક એવો કિસ્સો સામે આવ્યો છે જે ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. વાત કંઇક એમ છે કે નાગપુરમાં શીતળા માતાજીના એક મંદિરમાં બે ચોર ચોરી કરવાને માટે ઘૂસ્યા હતા. પણ તેઓ હાથ સાફ કરે એ પહેલાં તેઓએ માતાજીની મૂર્તિ આગળ હાથ જોડીને અને કાન પકડીને માફી માંગી હતી. ભગવાનની માફી માગ્યા બાદ તેઓએ દાનપેટીનું તાળું તોડ્યું હતું અને અંદરથી દાનની રોકડ રકમ લઈને છૂ થઇ ગયા હતા. જોકે, આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનો CCTV વિડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે અને લોકો આ ચોરોની આવી કરતૂત પર જાતભાતના રીએક્શન આપી રહ્યા છે.
આ ઘટનાની વાત કરીએ તો તે ૨૭ જુલાઈની રાત્રે નાગપુરના લાકડગંજ પોલીસ સ્ટેશનના સીમા ક્ષેત્ર હેઠળ આવતા માલધક્કા વિસ્તારના શીતળા માતા મંદિરમાં બની (Nagpur Temple Theft) હતી. મળતી માહિતી અનુસાર મંદિરની દેખરેખ રાખનાર માણસ આ દિવસે પણ સાંજે મંદિરને રોજની જેમ તાળું મારીને જતો રહ્યો હતો. પછી જ્યારે એ બીજા દિવસે સવારે પાછો મંદિરમાં આવ્યો ત્યારે મંદિરના મેઇન ગેટનું તાળું તૂટેલું જોઈને હેરાન રહી ગયો. એણે મંદિરમાં અંદર જઈને જોયું તો શીતળા માતા મંદિર અને શિવ મંદિર આ બંનેની દાનપેટીનાં તાળાં પણ તોડવામાં આવ્યા હતા અને તેમાં રહેલી રોકડ રકમ પણ ચોરાઇ ગઈ હતી.
આ આખા પ્રકરણ (Nagpur Temple Theft)થી હેબતાઈ ગયેલા આ માણસે તરત જ મંદિર પ્રશાસનને જાણ કરી. જ્યારે CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા ત્યારે આ ચોરીનો ભેદ ખૂલ્યો હતો. સીસીટીવી કેમેરામાં આ આખી ચોરીની ઘટના કેડ થયેલી જોવા મળી. પણ સહુ હેરાન તો ત્યારે રહી ગયા કે આ વિડીયોમાં મોડી રાત્રે ચોરી કરવા ઘૂસેલા બંને યુવકોએ ચોરીને અંજામ આપતાં પહેલાં માફી માંગી હતી. વિડિયોમાં જોઈ શકાય છે કે બેમાંથી એક ચોર મૂર્તિ સામે હાથ જોડે છે અને પોતાના કાન પકડીને ભગવાન આગળ માફી માંગતો નજરે પડે છે. જાણે ભગવાન પાસે પોતે કરવા જઇ રહેલા પાપની ક્ષમા માંગી રહ્યો હોય તેમ તેણે આગોતરી માફી માંગી લીધી. અને પછી આ બેઉ ચોર દાનપેટી તોડીને પૈસા લઇને ત્યાંથી નાસી છૂટે છે.
મંદિર સંચાલકોની ફરિયાદના આધારે લાકડગંજ પોલીસે ચોરી (Nagpur Temple Theft)નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પોલસ દ્વારા CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે ચોરાયેલી રકમનો ચોક્કસ આંકડો હજુ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ પોલીસ આરોપીઓને પકડીને રોકડ રકમ રિકવર કરવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. આ સાથે જ પોલીસે સ્થાનિક નાગરિકોને પણ અપીલ કરી છે કે જો આ શંકાસ્પદ વ્યક્તિઓ વિશે કોઈ પણ માહિતી મળે તો તરત જ પોલીસનો સંપર્ક કરવો.