19 March, 2025 08:34 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
નાગપુરમાં પોલીસે પકડેલા રમખાણિયા લોકો.
નાગપુરમાં ઘટનાસ્થળેથી ટ્રૉલી ભરીને પથ્થરો મળ્યા, કેટલાક લોકોએ ઘરમાં પથ્થરો જમા કર્યા હતા, શસ્ત્રો પણ મળી આવ્યાં, ચોક્કસ ઘરોને અને દુકાનોને નિશાન બનાવવામાં આવ્યાં
ગઈ કાલે વિધાનસભામાં બોલતા દેવેન્દ્ર ફડણવીસ.
સોમવારે નાગપુરમાં બે જૂથ વચ્ચે થયેલા તનાવને લીધે રમખાણ ફાટી નીકળ્યું હતું. એમાં અનેક વાહનોની તોડફોડ કરવાની સાથે એમને આગ લગાવવામાં આવી હતી. આ ઉપરાંત પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એમાં ૩૩ પોલીસને ઈજા થઈ હતી, જેમાં ત્રણ ડેપ્યુટી પોલીસ-કમિશનર (DCP)નો પણ સમાવેશ થાય છે. એક DCP પર તો કુહાડીથી પ્રહાર કરવામાં આવ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. પાંચ સામાન્ય નાગરિકોને ઈજા થઈ છે. એક નાગરિકને ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં ઍડ્મિટ કરવામાં આવ્યો છે.
સોમવારે નાગપુરના રમખાણમાં ઘાયલ થયેલા ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ નિકેતન કદમ સાથે ગઈ કાલે વિડિયો-કૉલ પર વાત કરતા દેવેન્દ્ર ફડણવીસ.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં કહ્યું હતું કે ‘રમખાણની આ ઘટનામાં એક ક્રેન, બે જેસીબી અને કેટલાંક ફૉર-વ્હીલરને આગ લગાવવામાં આવી હતી. ગણેશપેઠ પોલીસ-સ્ટેશનમાં ત્રણ, તહસીલ પોલીસ-સ્ટેશનમાં બે મળીને કુલ પાંચ ફરિયાદ નોંધવામાં આવી છે. ૧૧ પોલીસ-સ્ટેશનની હદમાં કરફ્યુ લાગુ કરવામાં આવ્યા છે. આ સિવાય નાગપુરના તહસીલ, કોતવાલી, ગણેશપેઠ, પાચપાવલી, લકડગંજ, શાંતિનગર, સક્કરદરા, નંદનવન, ઇમામવાડા, યશોદાનગર, કપિલનગર વિસ્તારના ઍન્ટ્રી પૉઇન્ટ પર નાકાબંધી કરવામાં આવી છે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની પાંચ ટુકડી તહેનાત કરવામાં આવી છે. સોમવારે સવારના એક ઘટના બન્યા બાદ નાગપુરમાં શાંતિ હતી. બાદમાં સાંજે કેટલાક લોકોએ જાણીજોઈને હુમલો કર્યો હોવાનું જણાયું છે. એક ટ્રૉલી ભરીને પથ્થર ઘટનાસ્થળેથી મળી આવ્યા છે. કેટલાક લોકોએ ઘરમાં પથ્થર જમા કર્યા હતા. શસ્ત્રો પણ મોટા પ્રમાણમાં જપ્ત કરવામાં આવ્યાં છે. ચોક્કસ ઘરોને અને દુકાનોને નિશાન બનાવવામાં આવ્યાં છે. આથી કેટલાક લોકોની સુનિયોજિત પૅટર્ન જણાઈ આવે છે. આવા લોકો પર કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાની કોઈને છૂટ નહીં આપવામાં આવે. પોલીસ પર હુમલો કરનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે.’