રમખાણના આરોપીઓની પ્રૉપર્ટી વેચીને નુકસાનની ભરપાઈ કરીશું

24 March, 2025 06:57 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

નાગપુરમાં ઝીરો ટૉલરન્સ ઍક્શન પ્લાન વિશે વાત કરી દેવેન્દ્ર ફડણવીસે, મુખ્ય પ્રધાને કહ્યું કે માલેગાંવ કનેક્શન સ્પષ્ટ થઈ ગયું છે, બંગલાદેશ કનેક્શનની તપાસ ચાલે છે

ગઈ કાલે નાગપુરમાં મીડિયા સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસ. તેમની સાથે મિનિસ્ટર ચંદ્રશેખર બાવનકુળે અને નાગપુરના પોલીસ કમિશનર રવીન્દર કુમાર સિંગલ.

ગયા સોમવારે નાગપુરમાં ફાટી નીકળેલી હિંસા બાદ ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં જઈને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ પત્રકારોને રમખાણ પછીના ઍક્શન પ્લાન વિશેની માહિતી આપતાં કહ્યું હતું કે ‘પોલીસે ચાર-પાંચ કલાકમાં રમખાણ પર નિયંત્રણ મેળવી લીધું હતું. બાદમાં પોલીસે રમખાણના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને સ્થાનિક લોકોએ મોબાઇલમાં શૂટ કરેલા વિડિયોના આધારે રમખાણ કરનારાઓને ઓળખી કાઢીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી રમખાણ ફેલાવનારા ૧૦૪ લોકોને ઓળખી કાઢીને ૯૨ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ૧૨ આરોપી સગીર હોવાથી તેમની સામે કાયદા મુજબ કાર્યવાહી થઈ રહી છે. જે વ્યક્તિ રમખાણ કરતી હોય એવું દેખાતી હોય કે રમખાણ ફેલાવનારાઓને મદદ કરતી હોવાનું જણાઈ આવશે એવી દરેક વ્યક્તિ સામે પોલીસ કાર્યવાહી કરશે. સોશ્યલ મીડિયામાં અફવા ફેલાવનારાઓ સામે પણ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. લોકોને ભડકાવનારી પૉડકાસ્ટ કરનારાઓ સામે પણ પગલાં લેવામાં આવશે. રમખાણમાં જેમનું નુકસાન થયું છે, કાર તોડી નાખવામાં આવી છે તેમને ત્રણ-ચાર દિવસમાં નુકસાનની ભરપાઈ કરી દેવામાં આવશે. આરોપીઓની પ્રૉપર્ટીનું વેચાણ કરીને નુકસાનની ભરપાઈ કરવામાં આવશે. નાગપુરમાં અત્યારે કેટલાક વિસ્તારોમાં કરફ્યુ છે એને લીધે શાંતિ છે. ધીમે-ધીમે કરફ્યુમાં રાહત આપવામાં આવશે. ફરી કોઈ છમકલું ન થાય એ માટે પોલીસ જોકે સતર્ક રહેશે. બંગલાદેશમાંથી રમખાણ ફેલાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો કે નહીં એની તપાસ કરવામાં આવી રહી છે. માલેગાંવનું કનેક્શન જોકે સ્પષ્ટ થઈ ગયું છે. ઝીરો ટૉલરન્સ ઍક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે એટલે કોઈને બક્ષવામાં નહીં આવે.’

એક જખમીએ દમ તોડ્યો
નાગપુરની હિંસામાં પાંચ વ્યક્તિ સહિત ૩૫ પોલીસ-કર્મચારીઓને ઈજા થઈ હતી. ઇરફાન અન્સારી નાગપુરના હંસાપુરી પરિસરથી ગીતાંજલિ ટૉકીઝ ચોકથી રેલવે-સ્ટેશન ટ્રેન પકડવા જઈ રહ્યો હતો ત્યારે અચાનક રમખાણ ફાટી નીકળ્યું હતું. ટોળાએ ઇરફાન અન્સારીની મારપીટ કરતાં તે ગંભીર રીતે જખમી થયો હતો. ઇરફાનની હૉસ્પિટલમાં સારવાર ચાલતી હતી ત્યારે ગઈ કાલે સવારના ૧૧ વાગ્યે તેણે દમ તોડી દીધો હતો.

૧૦૦ દિવસમાં ૬૦૦૦ કિલોમીટર રોડને અપગ્રેડ કરવાનો ટાર્ગેટ પૂરો: દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના ૩૪ જિલ્લાઓમાં ૬૦૦૦ કિલોમીટર રોડને ૧૦૦ દિવસમાં અપગ્રેડ કરવાનું રાજ્ય સરકારે નક્કી કરેલું લક્ષ્ય પૂરું કરવામાં આવ્યું છે અને એના કારણે રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બૂસ્ટ મળશે એમ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે સોશ્યલ ​મીડિયા પર કહ્યું હતું. 
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મૂળ ૪૧,૭૩૦ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટમાં ૨૫,૮૭૫ કરોડ રૂપિયા વિવિધ બૅન્કોએ આપ્યા હતા. હવે આ રોડનું અપગ્રેડેશન થવાને કારણ‌ે કને​ક્ટિવિટી વધશે. ૧૦૦ દિવસના સમયગાળામાં સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલા આ પ્રોજેક્ટને કારણે હવે અપેક્ષાઓ વધી ગઈ છે. આ વર્ષે એક લાખ કરોડ રૂપિયાના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પૂરા કરવાનું લક્ષ્ય છે.’ 
મહારાષ્ટ્ર સ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSIDC)ની  શુક્રવારે બેઠક યોજાઈ હતી. દેવેન્દ્ર ફડણવીસે એ બેઠકમાં કહ્યું હતું કે રોડનું ડેવલપમેન્ટ ફક્ત એ જ જગ્યાએ કરવામાં આવશે જ્યાં એની જરૂર છે અને એમાં ક્વૉલિટી વર્ક પર ધ્યાન આપવામાં આવશે. 
પ​બ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટર શિવેન્દ્રસિંહ ભોસલેએ કહ્યું હતું કે મુખ્ય પ્રધાને ૩૪ જિલ્લાના ૫૯૭૦ કિલોમીટર રસ્તા માત્ર ૧૦૦ દિવસમાં અપગ્રેડ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું અને એ પાર પાડવામાં આવ્યું છે.  

nagpur devendra fadnavis mumbai news Crime News mumbai maharashtra news maharashtra