28 April, 2025 09:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નારાયણ રાણે, દેવેન્દ્ર ફડણવીસ
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને રત્નાગિરિ-સિંધુદુર્ગના ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય નારાયણ રાણેએ ગાયોનું સંવર્ધન કરવાની સાથે ગૌશાળા દ્વારા રોજગાર ઊભો કરવાનું આયોજન કર્યું છે. તેમણે રત્નાગિરિના કણકવલીમાં આવેલા કરંજે ગામમાં એક ભવ્ય ગૌશાળા બનાવવાનું કામ શરૂ કર્યું છે, જેનું ઉદ્ઘાટન ૧૧ મેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કરશે. ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં નારાયણ રાણેએ કહ્યું હતું કે ‘હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવી છે. ગાય એટલે સમૃદ્ધિ. જિલ્લાના લોકો ગાયનું પાલન કરશે તો તેમના માટે સમૃદ્ધિનો માર્ગ ખૂલશે. વધુ ને વધુ લોકો ગાયનું પાલન કરે એ માટેનો પ્રયાસ અમે શરૂ કર્યો છે. અમે ગૌશાળા ઊભી કરી રહ્યા છીએ જેમાં અનેક જાતિની ગાય હશે. આ ગૌશાળામાં દૂધ એકત્રિત કરવાની વ્યવસ્થા કરવાની સાથે કિલોકીઠ પાંચ રૂપિયાના હિસાબે ગૌશાળાનું છાણ ખરીદવામાં આવશે. ઉપરાંત ગૌશાળાની નજીક છાણમાંથી ખાતર બનાવવાની ફૅક્ટરી તૈયાર કરવામાં આવશે. આ ગૌશાળા અને ખાતરની ફૅક્ટરીમાં સ્થાનિક લોકોને રોજગાર મળશે. સ્થાનિક રહેવાસીઓને ઘેટાં-બકરાંના પાલનનું પ્રોત્સાહન પણ આપવામાં આવશે.’