સખત ગરમીમાં ધર્માંતરણ સામે નાશિકની મહિલાઓ મેદાને પડી

17 April, 2026 07:22 AM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

આ રૅલીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નાં વિધાનસભ્ય દેવયાની ફરાંદે પણ જોડાયાં હતાં

બાઇક-રૅલી

નાશિકની તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના BPOમાં કામ કરતી હિન્દુ મહિલાઓ પર જાતીય અત્યાચાર અને ધર્માંતરણ માટે દબાણ કરવામાં આવતું હોવાના કેસને લઈને ગઈ કાલે સખત ગરમી હોવા છતાં નાશિકની હિન્દુત્વવાદી સંસ્થાઓએ ‘રણ રાગિણી જન આક્રોશ’ બાઇક-રૅલી કાઢીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને એમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. જ્યાં આ ઘટના બની હતી એ TCSની ઑફિસથી લઈને જિલ્લા અધિકારીની ઑફિસ સુધી આ બાઇક-રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રૅલીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નાં વિધાનસભ્ય દેવયાની ફરાંદે પણ જોડાયાં હતાં. પીડિત મહિલાઓને વહેલામાં વહેલી તકે ન્યાય આપવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી. આરોપીઓને કઠોર શિક્ષા કરવામાં આવી એવી માગણી થઈ હતી. કૉર્પોરેટ જેહાદના આ પ્રકરણનો તેમણે તીવ્ર વિરોધ કર્યો હતો.

આ લોકોને ફાંસી આપીને તેમની પ્રૉપર્ટી સીઝ કરી તેમના ઘર પર બુલડોઝર ફેરવી દેવું જોઈએ: દેવયાની ફરાંદે 

દેવયાની ફરાંદેએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી અને કહ્યું હતું કે ‘હિન્દુ છોકરીઓને પરાણે રોજા રાખવા કહેવું, નમાજ પઢવા દબાણ કરવું, તેમના પર બળાત્કાર કરવો અને તેમનું ધર્માંતરણ કરાવવું એ બંધારણ મુજબ ગુનો છે. આવી વ્યક્તિઓને ફાંસીએ લટકાવી દેવા જોઈએ. તેમની પ્રૉપર્ટી સીઝ કરીને તેમના ઘર પર બુલડોઝર ફેરવી દેવું જોઈએ.’

બજરંગ દળની આજે અને આવતી કાલે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની હાકલ

બજરંગ દળે આ ઘટનાને ‘રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો’ ગણાવ્યો છે. સંગઠનના કાર્યકરોએ નાશિકમાં TCS ઑફિસની બહાર વિરોધ-પ્રદર્શન શરૂ કરી દીધું છે અને દેશભરના હિન્દુ સમુદાયને આ આંદોલનમાં જોડાવાની અપીલ કરી છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે જણાવ્યું હતું કે ‘હિન્દુ સમુદાય હવે લવ જેહાદ, જમીન પર અતિક્રમણ અને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં થતી હેરાનગતિ જેવી ઘટનાઓ પ્રત્યે જાગ્રત થયો છે. આ કેસમાં દોષીઓને કડક સજા મળે એ માટે દેશભરમાં વિરોધ-પ્રદર્શન કરવામાં આવશે.’

mumbai news mumbai nashik maharashtra news maharashtra hinduism bajrang dal