16 February, 2026 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેમ્પોમાંથી હેવી પાઇપ કાર પર પડતાં કારમાં ફસાઈ ગયેલા લોકોને બહાર કાઢવા સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ટીમને મદદ કરી હતી.
ખોપોલી પોલીસ-સ્ટેશનની હદમાં શુક્રવારે રાત્રે જૂના મુંબઈ-પુણે હાઇવે પર અંડા પૉઇન્ટ પર ભારે પાઇપો લઈ જતો એક ટેમ્પો હાઇટ રિસ્ટ્રિક્ટ કરતા બૅરિકેડ સાથે અથડાયો હતો. એટલે એમાં રાખેલી હેવી પાઇપ પાછળથી આવી રહેલી બે કાર પર પડતાં બન્ને કારને ભારે નુકસાન થયું હતું.
આ અકસ્માત શુક્રવારે રાત્રે ૯.૧૫ વાગ્યાની આસપાસ થયો હતો, જ્યારે પુણેથી મુંબઈ તરફ જઈ રહેલો ટેમ્પો (MH 43/PA/3703) રાયગડ જિલ્લાના ખાલાપુર તાલુકાના અંડા પૉઇન્ટ પર બાંધવામાં આવેલા બૅરિકેડ સાથે અથડાયો હતો. આ અકસ્માતને કારણે ટેમ્પોમાં લઈ જવામાં આવી રહેલી હેવી પાઇપો પાછળ આવી રહેલી બે કાર પર પડી હતી, જેને કારણે બન્ને કારના પ્રવાસીઓ પાઇપના ભાર નીચે ફસાઈ ગયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર ટેમ્પો-ડ્રાઇવર જાધીર અબ્દુલ શેખ રસ્તો ખરાબ હોવા છતાં વધુ પડતી ઝડપે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી રહ્યો હતો. ટેમ્પો જ્યારે હાઇટ બૅરિકેડ સાથે અથડાયો ત્યારે એમાંની પાઇપો પહેલાં કિયા કાર પર અને પછી હ્યુન્ડાઇ વર્ના કાર પર પડી હતી. હ્યુન્ડાઇ વર્ના લોનાવલાની રહેવાસી અને આ કેસની ૩૬ વર્ષની ફરિયાદી ચાંદની શાહ ચલાવી રહી હતી.
આ ઘટનામાં ચાંદનીનાં ૭૨ વર્ષનાં મમ્મી રિપ્નવિતા શાહ અને ૫૦ વર્ષના બૈજનાથ મુંડે ઘાયલ થયાં હતાં. એક કારનો ડ્રાઇવર કારમાં ફસાઈ ગયો હતો અને તેને બચાવવો પડ્યો હતો. IRB પૅટ્રોલિંગ ટીમો, હેલ્પ ફાઉન્ડેશનના સભ્યો, ઘાટ વિભાગમાં કામ કરતા મેકૅનિકો અને ક્રેન ઑપરેટરો, હાઇવે ટ્રાફિક-પોલીસ (બોરઘાટ), ડેલ્ટા ફોર્સ, મહારાષ્ટ્ર સુરક્ષા દળના કર્મચારીઓ, સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓ દ્વારા બચાવ-કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને લોકમાન્ય હૉસ્પિટલથી ઍમ્બ્યુલન્સ દ્વારા પવના ખસેડવામાં આવ્યા હતા.