06 November, 2025 10:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ પાસેથી જપ્ત કરેલી સામગ્રી.
વિવિધ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ઇન્વેસ્ટમેન્ટની જાહેરાતો કરીને શૅરબજાર ટ્રેડિંગમાં ઊંચા નફાનું વચન આપીને રોકાણ કરવાના નામે લોકો પાસેથી પૈસા તફડાવનાર ૮ આરોપીઓની નવી મુંબઈ સાઇબર પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી મળેલા દસ્તાવેજના આધારે સાઇબર પોલીસે ભારતનાં વિવિધ રાજ્યોમાં ૧૧૮ બૅન્કનાં અકાઉન્ટ ફ્રીઝ કર્યાં છે જેમાં છેતરપિંડીથી થયેલા વ્યવહાર સાથે જોડાયેલા કુલ ૩૨.૫ લાખ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે. શૅર-ટ્રેડિંગની છેતરપિંડીમાં આરોપીઓ ચીન અને કમ્બોડિયામાં સાઇબર ગુનેગારો સાથે સંકળાયેલા હોવાની ચોંકાવનારી માહિતી જાણવા મળી છે.
નવી મુંબઈ સાઇબર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિશાલ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોપરખૈરણેમાં રહેતા એક સિનિયર સિટિઝનને શૅરમાર્કેટમાં મોટા પ્રૉફિટની લાલચ આપીને તેમની પાસેથી ઑક્ટોબરના અંત સુધીમાં આરોપીઓએ ૧.૦૭ કરોડ રૂપિયા તફડાવી લીધા હતા. એ ઘટનાની ફરિયાદ નોંધાતાં આ કેસમાં તપાસ હાથ ધરી હતી. ફરિયાદીના પૈસા વિવિધ બૅન્ક-ખાતાંઓમાં મોકલવામાં આવ્યા હતા જેમાંનું એક અકાઉન્ટ પુણેનું હોવાની માહિતી મળતાં પુણે જઈને ખાતામાં પૈસા સ્વીકારનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી મળેલી માહિતીના આધારે અન્ય આરોપીની શોધખોળ કરતાં તેઓ નવી મુંબઈની વિવિધ હોટેલમાં રહેતા હોવાનું જણાયું હતું. ત્યાર બાદ આ કેસમાં વિવિધ હોટેલોમાં કેટલાક દિવસ સુધી સઘન તપાસ કરતાં સોમવારે આરોપીઓની ધરપકડ કરવામાં અમને સફળતા મળી હતી. આરોપીઓની પૂછપરછ કરતાં તેઓ ચીન અને કમ્બોડિયામાં સાઇબર છેતરપિંડી કરનારાઓ સાથે જોડાયેલા હોવાની માહિતી મળી છે.’