નવી મુંબઈ પોલીસે ૪૧.૬ લાખ રુપિયાનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો, એક શખ્સની ધરપકડ

04 August, 2026 03:54 PM IST  |  Navi Mumbai | Gujarati Mid-day Online Correspondent

Navi Mumbai police seize drugs: નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં `ડ્રગ-ફ્રી એજ્યુકેશનલ કેમ્પસ` અભિયાન હેઠળ પોલીસે કાર્યવાહી કરીને રુપિયા ૪૧.૬ લાખની કિંમતનો નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો છે અને ૨૬ વર્ષના એક યુવકની ધરપકડ કરી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

નવી મુંબઈ (Navi Mumbai) માં ચાલી રહેલા `ડ્રગ-ફ્રી એજ્યુકેશનલ કેમ્પસ` (`Drug-Free Educational Campus) અભિયાન દરમિયાન પોલીસે રુપિયા ૪૧.૬ લાખની કિંમતના નશીલા પદાર્થો સાથે ૨૬ વર્ષના એક યુવકની ધરપકડ કરી છે. રવિવારે ઐરોલી (Airoli) વિસ્તારમાં આવેલા એક ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા આ શખ્સ પાસેથી આ મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે રુપિયા ૩૩.૮ લાખનું હેશ ઓઇલ રિકવર કર્યું

તપાસ દરમિયાન પોલીસ (Mumbai Police)ને આરોપી પાસેથી રુપિયા ૩૩.૮ લાખની કિંમતનું ૩૩૮ ગ્રામ હેશ ઓઇલ અને રુપિયા ૭.૮ લાખની કિંમતનું ૭૮ ગ્રામ હાઇડ્રો ગાંજો મળી આવ્યો હતો. આગળની કાનૂની કાર્યવાહી માટે આરોપીને રબાળે પોલીસને સોંપવામાં આવ્યો છે.

`ડ્રગ-ફ્રી એજ્યુકેશનલ કેમ્પસ` અભિયાન હેઠળ દેખરેખ સઘન

મહારાષ્ટ્રમાં ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ નશીલા પદાર્થોના વેચાણ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે, જે અંતર્ગત ડ્રગ્સનો આ નવો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. `ડ્રગ-ફ્રી એજ્યુકેશનલ કેમ્પસ` પહેલ હેઠળ પોલીસે યુવાનોમાં ડ્રગ્સનું દૂષણ અને તસ્કરી રોકવા માટે શાળાઓ, કોલેજો અને જાહેર સ્થળોની આસપાસ ગતિવિધિઓ અને દેખરેખ વધારી દીધી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અભિયાન માત્ર કાનૂની કાર્યવાહી પૂરતું સીમિત નથી, પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થોનું સેવન અટકાવવા માટે જાગૃતિ ફેલાવવી, કાઉન્સિલિંગ કરવું અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે મળીને સઘન સંકલન સાધવાનો છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે `ડ્રગ-ફ્રી મુંબઈ` અભિયાન લોન્ચ કર્યું

આ અગાઉ ૩૦ જુલાઈના રોજ મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ `ડ્રગ-ફ્રી મુંબઈ` અભિયાનની શરૂઆત કરી હતી અને નાગરિકોને મુંબઈ, મહારાષ્ટ્ર અને સમગ્ર દેશને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે એકજૂથ થઈને કામ કરવા હાકલ કરી હતી. વર્લી ડોમ ખાતે આ અભિયાનનો પ્રારંભ કરાવતા તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નું `નશા મુક્ત ભારત`નું સ્વપ્ન સરકારો, સંસ્થાઓ અને નાગરિકોના સંયુક્ત પ્રયાસોથી જ સાકાર થઈ શકે છે.

ઉપસ્થિત લોકોને નશા મુક્ત સમાજના શપથ લેવડાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ‘નશીલા પદાર્થો સામેની લડાઈ એ દેશના ભવિષ્ય માટેનો સામૂહિક સંગ્રામ છે. ડ્રગ-ફ્રી ઈન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવા માટે આપણે પહેલા ડ્રગ-ફ્રી મુંબઈ અને ડ્રગ-ફ્રી મહારાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લેવો પડશે.’

મહારાષ્ટ્ર સરકાર ડ્રગ્સના નેટવર્કને નાબૂદ કરશે

મુખ્યમંત્રીએ ચેતવણી આપી હતી કે ભારત વિજ્ઞાન, ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્પેસ રિસર્ચ અને સંરક્ષણ ક્ષેત્રે ઝડપી પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ દેશના યુવાનોને નબળા પાડવા માટે નશીલા દ્રવ્યોનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે ડ્રગ્સને આ છૂપા યુદ્ધનું સૌથી ખતરનાક શસ્ત્ર ગણાવ્યું હતું અને દરેક નાગરિકને વ્યસન સામેની આ લડાઈને પોતાની અંગત જવાબદારી ગણવા અપીલ કરી હતી.

પોલીસ, આરોગ્ય, સામાજિક ન્યાય અને શાળા શિક્ષણ જેવા વિભાગોએ વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે નશીલા પદાર્થોના ઉત્પાદન, તસ્કરી અને વેચાણમાં સંકળાયેલા લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને શાળાઓ અને કોલેજો નજીક સક્રિય ડ્રગ્સના નેટવર્કને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે.

navi mumbai airoli Crime News mumbai crime news mumbai mumbai news maharashtra news maharashtra devendra fadnavis maharashtra government