01 July, 2025 09:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ત્રણ વર્ષ ઘરમાં બંધ રહેલા અનુપ નાયર (ડાબે)ની હવે કાયાપલટ કરવામાં આવી છે.
નવી મુંબઈના જુઈ નગરમાં રહેતા પંચાવન વર્ષના એક ભાઈ પરિવારના ૩ જણને ગુમાવ્યા બાદ ડિપ્રેશનમાં સરી ગયા હતા જેને લીધે તેમણે પોતાના જ ઘરમાં પોતાને લૉક કરીને ૩ વર્ષ સુધી બહારની દુનિયા સાથેનો કૉન્ટૅક્ટ તોડી નાખ્યો હતો. માત્ર ઑનલાઇન ફૂડ ઑર્ડર કરવા પૂરતું જ આ વ્યક્તિ દરવાજો ખોલતી હતી. હાલમાં તેમને બહાર કાઢીને સોશ્યલ ઍન્ડ ઇવેન્જેલિકલ અસોસિએશન ફૉર લવ (SEAL) સંસ્થાના આશ્રમમાં તેમને સારવાર અપાઈ રહી છે.
અનુપ નાયર નામનો આ માણસ અગાઉ કમ્પ્યુટર એન્જિનિયરની જૉબ કરતો હતો. તેનાં મમ્મી પુનમ્મા નાયર ઇન્ડિયન ઍર ફોર્સમાં ટેલિકમ્યુનિકેશન વિભાગમાં અધિકારી હતાં અને પપ્પા વી. પી. નાયર તાતા હૉસ્પિટલમાં કામ કરતા હતા. છેલ્લાં ૬ વર્ષમાં અનુપ નાયરનાં મમ્મી અને પપ્પા બન્નેનું મૃત્યુ થયું હતું. તેના મોટા ભાઈએ ૨૦ વર્ષ પહેલાં આત્મહત્યા કરી હતી. બધા જ પરિવારજનોને ગુમાવવાને કારણે એકલો પડેલો અનુપ નાયર ડિપ્રેશનનો શિકાર બન્યો હતો. ડિપ્રેશનને લીધે છેલ્લાં ત્રણ વર્ષથી તે ઘરની બહાર જ નહોતો નીકળતો. પાડોશી વિજય શિબેએ જણાવ્યું હતું કે ‘અનુપ નાયર ક્યારેક જ દરવાજો ખોલતા હતા, કચરો બહાર નાખવા પણ દરવાજો તે ખોલતો નહીં. અમે તેમનાં મમ્મી-પપ્પાએ કરેલી ફિક્સ ડિપોઝિટ મેળવવામાં પણ મદદ કરી હતી. ઘણાં સગાંનાં કૉલ પણ આવ્યાં હતાં. શરૂઆતમાં અનુપ કોઈના પર વિશ્વાસ નહોતો કરતો.’
SEALના સભ્યોને અનુપ વિશે જાણ થતાં જ તેઓ સેક્ટર ૨૪માં આવેલી ઘરકુલ સોસાયટીમાં તેના ઘરે ગયા હતા. દરવાજો તોડીને અંદર જોતાં ઘરમાંથી બધું ફર્નિચર કોઈ લઈ ગયું હોય એમ જણાયું હતું. અનુપ રોજ એક જ ખુરસી પર સૂતો હતો, આખું ઘર ગંદકીથી ભરેલું હતું અને અનુપના પગમાં ગંભીર ઇન્ફેક્શન થઈ ગયું હોવાનું પણ જણાયું હતું એમ SEALના પાદરી કે. એમ. ફિલિપે જણાવ્યું હતું.