25 June, 2026 12:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
NCP-SPના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ, તુકારામ મુંઢે
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભાના મૉન્સૂન સેશનમાં પોતાની નો નૉન્સેન્સ છબિ અને કાર્યક્ષમતા માટે જાણીતા મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેની પ્રશંસા કરી હતી તથા તેમની ‘વિકેટ પાડવા’ માટે ઇન્ટરનૅશનલ ડ્રગ્સ લૉબીએ ૨૫૦ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી હોવાનો આરોપ મૂક્યો હતો.
તુકારામ મુંઢે FDAના કમિશનર બન્યા બાદ આખા મહારાષ્ટ્રમાં ઠેર-ઠેર રેઇડ પડી રહી છે અને ગુટકા વેચનારાઓ, ફૂડ-આઇટમ્સમાં ભેળસેળ કરનારાઓ, નકલી કૉસ્મેટિક્સ અને દવાઓ વેચનારાઓ પર પણ તવાઈ આવી છે ત્યારે તેમને હટાવવા માટેની તૈયારી ચાલતી હોવાનો દાવો જિતેન્દ્ર આવ્હાડે બુધવારે કર્યો હતો. મહારાષ્ટ્રમાં ગુટકા કોણ લઈ આવે છે એ સોમવારના સેશનમાં એક્સપોઝ કરશે એમ પણ તેમણે કહ્યું હતું. આ સાથે જ તુકારામ મુંઢેના જીવને જોખમ હોવાથી તેમને સંરક્ષણ આપવું જઈએ એવી માગણી શિવસેનાના વિધાનસભ્ય અર્જુન ખોતકરે કરી હતી.
જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે ‘તુકારામ મુંઢે મહારાષ્ટ્રને કૅન્સરગ્રસ્ત કરનારાઓને ઘેરનારો માણસ છે એટલે તેમની સોપારી આપવામાં આવી છે. ખરેખર તેમને અભિનંદન આપવાં જોઈએ કે હજી સુધી તેમની ટ્રાન્સફરની ફાઇલ લઈને કોઈ મુખ્ય પ્રધાનની ઑફિસમાં નથી ગયું. ડ્રગ્સ લૉબી, મેડિકલ કંપનીઓ, ફાર્માસ્યુટિકલ માફિયા તથા બીજા અનેક સાથે આવીને તુકારામ મુંઢેની પાછળ લાગેલા છે.’