19 March, 2025 01:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે જાવેદ આઝમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
૧૨૨ કરોડ રૂપિયાના કૌભાંડનો સામનો કરી રહેલી ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના ખાતાધારકોના સંગઠને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ને એક અરજી આપીને તેમને પડી રહેલી આર્થિક તકલીફનું જેમ બને એમ જલદી નિરાકરણ લાવવા કહ્યું છે.
RBIના ગવર્નર સંજય મલ્હોત્રાને આપવામાં આવેલી આ અરજીમાં ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્ક ડિપોઝિટર્સ ફાઉન્ડેશન તરફથી કહેવામાં આવ્યું છે કે ‘અમને શંકા છે કે બૅન્કમાં મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી હોવી જોઈએ જેને લીધે બૅન્કની નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ (NPA) વધી ગઈ હશે અને બૅન્ક ક્રાઇસિસમાં આવી ગઈ હશે.’
ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ ટી. એન. રઘુનાથાએ કહ્યું હતું કે ‘અમે રિઝર્વ બૅન્ક સમક્ષ એવા ખાતેદારોની તકલીફ મૂકી છે જેમની બચતના પૈસા બ્લૉક થઈ જવાને લીધે રોજિંદા ખર્ચ પર અસર પડી છે. બૅન્કના મૅનેજમેન્ટે આચરેલા કૌભાંડની સજા ખાતેદારોએ ભોગવવી પડી રહી છે. ઘણા ખાતેદારોની મોટી રકમ બૅન્કમાં હોવાથી બૅન્કની ઇન્શ્યૉરન્સની પાંચ લાખની રકમ પૂરતી ન હોવાથી રિઝર્વ બૅન્કે એના વિશે પણ કંઈ કરવું જોઈએ. એટલું જ નહીં, RBIએ તરત જ જરૂરી પગલાં લઈને બૅન્કને ફરી બેઠી કરવી જોઈએ.’
જે બૅન્કમાં માર્ચ ૨૦૨૪માં ૨૪૩૬ કરોડ રૂપિયાની ડિપોઝિટ હોય એ ૧૨૨ કરોડ રૂપિયાની ઉચાપતથી હચમચી ન જાય એવું પણ રિઝર્વ બૅન્કને કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે.
પોલીસે કરી સાતમી ધરપકડ
મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગે (EOW) જાવેદ આઝમ નામના બિઝનેસમૅનની ગઈ કાલે ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં પોલીસે સાત જણની ધરપકડ કરી છે. તપાસ દરમ્યાન પોલીસને જાણવા મળ્યું હતું કે મલાડના બિઝનેસમૅન અને આ કેસના આરોપી ઉન્નથન અરુણાચલમ ઉર્ફે અરુણભાઈએ કાંદિવલીના રહેવાસી જાવેદ આઝમને ૧૮ કરોડ રૂપિયા આપ્યા હતા. તેનો ઇલેક્ટ્રિકલ ગુડ્સનો વ્યવસાય છે.