20 February, 2025 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૅન્કના જનરલ મૅનેજર અને અકાઉન્ટ્સ હેડ હિતેશ મહેતાએ આ રૂપિયાનું શું કર્યું હતું
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના નિર્દોષ ખાતેદારોના ૧૨૨ કરોડ રૂપિયા પોતાના મળતિયાઓને સગેવગે કરનારા બૅન્કના જનરલ મૅનેજર અને અકાઉન્ટ્સ હેડ હિતેશ મહેતાએ આ રૂપિયાનું શું કર્યું હતું એનો તાળો હવે મળવા લાગ્યો છે. આ કેસની તપાસ કરી રહેલી ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW) અત્યાર સુધીમાં ૧૧૦ કરોડ રૂપિયા ક્યાં ગયા છે એની માહિતી મેળવી શકી છે અને એમાંથી ૭૦ કરોડ રૂપિયા જેને મળ્યા છે એ કાંદિવલીના બિલ્ડર ધર્મેશ પૌનની ધરપકડ પણ કરી ચૂકી છે. હવે એ સોલર પૅનલનો ધંધો કરતા મલાડના બિઝનેસમૅન ઉન્નથન અરુણાચલન ઉર્ફે અરુણભાઈને શોધી રહી છે. આ અરુણભાઈને પણ હિતેશે ૪૦ કરોડ રૂપિયા લોન તરીકે આપ્યા હોવાનું હિતેશે પોલીસને તપાસ દરમ્યાન કહ્યું હતું. જોકે બીજા ૧૨ કરોડ રૂપિયાનું આ કેસના મુખ્ય આરોપીએ શું કર્યું એની માહિતી મેળવવાની પોલીસ કોશિશ કરી રહી છે.
હિતેશ મહેતાએ અરુણભાઈને ૪૦ કરોડ રૂપિયા શું કામ આપ્યા હતા એ જાણવાની કોશિશ ચાલી રહી છે. આ કેસના તપાસકર્તા મલાડ-વેસ્ટના માલવણીમાં આવેલા અરુણભાઈના ઘરે પણ ગયા હતા, પણ ત્યાં તે નહોતા. પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપીએ બિલ્ડર ધર્મેશ પૌનને ૭૦ કરોડ રૂપિયા અલગ-અલગ ૧૦૦ જેટલી વાર મોકલી આપ્યા હતા. આ બાબતે આ કેસની તપાસ કરી રહેલા એક અધિકારીએ કહ્યું હતું કે ‘હિતેશે ધર્મેશના પ્રોજેક્ટમાં ૨૦૧૬માં એક ફ્લૅટ ખરીદ્યો હતો જે તેણે પાછળથી વેચી નાખ્યો હતો. ત્યારે તે બૅન્કમાંથી જે રોકડાનું ગમન કરતો હતો એ તેની બાજુના ફ્લૅટમાં રહેતા ધર્મેશની કંપનીમાં કામ કરતા એમ્પ્લૉઈની સાથે મોકલતો હતો. આ રીતે તેણે ૧૦૦ વખત ધર્મેશ પૌનને બૅન્કના પૈસા મોકલ્યા હોવાનું અમને તપાસમાં જાણવા મળ્યું છે. અમે હિતેશના પાડોશીને આ કેસમાં વિટનેસ બનાવ્યો છે.’
એવું પણ કહેવાય છે કે હિતેશે જે પૈસા આપ્યા છે એની સામે તે ધર્મેશના ચારકોપના પ્રોજેક્ટમાં ફ્લૅટ લેવાનો હતો. EOW આ આખા કૌભાંડમાં બૅન્કના ઑડિટરના રોલની પણ તપાસ કરી રહી છે, કારણ કે આ બધું કોરોનાકાળથી ચાલતું હોવા છતાં તેણે બૅન્કને અલર્ટ નહોતી કરી.