17 May, 2026 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સુરક્ષા તેમ જ ઍડ્મિનિસ્ટ્રેશનની સરળતાને ધ્યાનમાં લઈને શહેરમાં નવી જેલનું નિર્માણ જરૂરી હોવાથી માનખુર્દમાં નવા પ્રિઝન કૉમ્પ્લેક્સ માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે. નવી જેલના નિર્માણ માટે ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડ નજીક આવેલી ૧૧ એકરની જમીન શુક્રવારે સેન્ટ્રલ જેલ ઑથોરિટીને સોંપવામાં આવી છે.
હાલ શહેરની જેલમાં જગ્યા ઓછી અને કેદીઓ વધારે છે એથી જેલ પરનું ભારણ ઓછું કરવું સુરક્ષા તેમ જ ઍડ્મિનિસ્ટ્રેશન-મૅનેજમેન્ટની દૃષ્ટિએ જરૂરી છે. જે જમીન પર જેલનું નિર્માણ થશે એ જમીન પરનાં ૧૨૦૦ જેટલાં અતિક્રમણ ગયા મહિને એક જ દિવસમાં હટાવવામાં આવ્યાં હતાં.
૨૦૧૧ બાદ અહીં બનાવાયેલાં બધાં જ ઝૂંપડાંઓને હટાવવા માટે પહેલી વખત ‘નેટવર્ક ફૉર એન્ક્રોચમેન્ટ ટ્રૅકિંગ ઍન્ડ રિપોર્ટિંગ ફૉર મુંબઈ’ નામની સૅટેલાઇટ આધારિત ટેક્નૉલૉજીનો ઉપયોગ થયો હતો.
૧૦,૦૦૦ કેદીઓને રાખવાની ક્ષમતા
મુંબઈમાં અત્યારે આર્થર રોડ અને તળોજાની જેલમાં કેદીઓની સંખ્યા વધુ અને જગ્યા ઓછી છે. માનખુર્દમાં બનનારી ૨૫ માળની અને ૧૦,૦૦૦ કેદીઓને રાખી શકે એવી જેલના નિર્માણ બાદ એ બન્ને જેલ પરનું ભારણ ઘટશે. ૨૦૧૫ બાદ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં તળોજા, સિંધુદુર્ગ, વાશિમ, ગડચિરોલી, જાલના અને નંદુરબારમાં જેલ બનાવી છે.