13 May, 2025 02:27 PM IST | Mumbai | Rajendra B Aklekar
મુંબઈના જમીન પરના પહેલા કેબલ-સ્ટેડ બ્રિજનો ગઈ કાલની રાતનો નજારો. આ બ્રિજનું ઉદ્ઘાટન આજે થશે. તસવીર : આશિષ રાજે
બ્રિટિશકાળમાં બનેલા દાયકાઓ જૂના રે રોડ ફ્લાયઓવરને તોડી પાડીને હવે એ જગ્યાએ નવો કેબલ-સ્ટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આજે એનું ઉદ્ઘાટન છે ત્યારે એમાં પણ અંધેરીના ગોખલે બ્રિજ જેવી જ ભૂલ થઈ હોવાનું જણાયું છે. લોકો સવાલ કરી રહ્યા છે કે આવું તે કેવું પ્લાનિંગ થાય છે કે લોકોએ સુવિધાને બદલે હાડમારી વેઠવી પડે.
જે જૂનો બ્રિજ તોડી પડાયો એ બ્રિજ ભાયખલા, માઝગાવ અને દારૂખાનાથી જોડાયેલો હતો અને સ્ટેશન જવા માટે બ્રિજ પરથી ઍક્સેસ હતું અને ટિકિટ-કાઉન્ટરના મકાન સાથે પણ બ્રિજનું સીધું કનેક્શન હતું. જોકે નવા બ્રિજમાં એ ભુલાઈ ગયું છે, કારણ કે નવા બ્રિજને ટિકિટ-કાઉન્ટર સાથે જોડવામાં જ નથી આવ્યો. વળી નવો બ્રિજ ટિકિટ-કાઉન્ટરથી ૭ ફુટ ઊંચો છે. આ બ્રિજ ફક્ત મોટરિસ્ટો માટે જ હોવાનું જણાઈ રહ્યું છે. બ્રિજ પર ચાલીને આવતા અને ટ્રેનમાં પ્રવાસ કરનારા લોકોને ભૂલી જવાયા છે. ૬ લેનનો બ્રિજ તો બનાવ્યો પણ એના પર ફુટપાથ બહુ સાંકડી છે એથી લોકોને ચાલવામાં અગવડ પડશે.
ઍક્ટિવિસ્ટ જોરુ ભથેનાએ કહ્યું હતું કે ‘બ્રિજ બનીને તૈયાર થઈ ગયા બાદ ૩ મહિના પછી એનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે એ બહુ આશ્ચર્યજનક બાબાત છે. નવાઈની વાત તો એ છે કે નવા બ્રિજથી ટિકિટ-કાઉન્ટર જવા માટે ઍક્સેસ જ નથી. એવું લાગી રહ્યું છે કે ઑથોરિટીને માત્ર કારવાળામાં જ રસ છે. તેઓ રેલવેના પ્રવાસીઓ અને રાહદારીઓને ભૂલી ગયા છે.’
નવો બ્રિજ મહારાષ્ટ્ર રેલવે રેલ ઇન્ફ્રાસ્ટ્રચર ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MRIDC) અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ મુંબઈનો પહેલો કેબલ-સ્ટેડ રોડ ઓવરબ્રિજ છે. ફેબ્રુઆરી ૨૦૨૨માં જૂનો બ્રિજ તોડી પાડ્યા બાદ રેકૉર્ડ ટાઇમમાં આ નવો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. ડિસેમ્બર ૨૦૨૪માં બ્રિજનું બાંધકામ પૂરું થઈ ગયું હતું. એ પછી નાનું-મોટું કામ બાકી હતી. આજે સાંજે ૭ વાગ્યે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ એનું ઉદ્ઘાટન કરશે.