ન્યુઝ શોર્ટમાં: જળગાવમાં ૭૭ વર્ષનાં આ આજીએ મારી બાજી

23 December, 2025 10:29 AM IST  |  Jalgaon | Gujarati Mid-day Correspondent

ભારતીય જનતા પાર્ટીનાં જનાબાઈ રંધે કાઉન્સિલર તરીકે ચૂંટાયાં હતાં અને રાજ્યનાં સૌથી મોટી ઉંમરના કાઉન્સિલરોમાંનાં એક બન્યાં હતાં

જનાબાઈ ભગવાન રંધે

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનાં પરિણામોમાં અનેક આશ્ચર્યજનક કિસ્સાઓ સામે આવ્યા છે. એવો જ એક કિસ્સો જળગાવ જિલ્લાની નાશીરાબાદ મ્યુનિસિપલ કાઉન્સિલમાં જોવા મળ્યો હતો. અહીં ૭૭ વર્ષનાં જનાબાઈ ભગવાન રંધેનો વિજય એક ઇન્સ્પાયરિંગ સ્ટોરી તરીકે સામે આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીનાં જનાબાઈ રંધે કાઉન્સિલર તરીકે ચૂંટાયાં હતાં અને રાજ્યનાં સૌથી મોટી ઉંમરના કાઉન્સિલરોમાંનાં એક બન્યાં હતાં. તેમની જીતને સમર્થકોએ ઉત્સાહભેર ઉજવણી દ્વારા વધાવી લીધી હતી ત્યારે તેમની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં હતાં. 

એક જ ઘરમાં કહીં ખુશી, કહીં ગમ બહેનની જીત, ભાઈની હાર

આટપાડી અને પંઢરપુરની ચૂંટણીમાં એક અનોખો કિસ્સો બન્યો હતો. આટપાડીનાં પ્રણિતા ભાલકેએ પંઢરપુરના નગરાધ્યક્ષપદ પર વિજય મેળવીને ઇતિહાસ રચ્યો હતો, જ્યારે તેનો નાનો ભાઈ સૌરભ પાટીલ આટપાડી નગરપંચાયતમાં નગરાધ્યક્ષની રેસમાં હતો, પણ હારી ગયો હતો. એક જ ઘરમાં દીકરીની જીતથી ખુશીનો અને દીકરાની હારથી દુઃખનો માહોલ હતો. જોકે બહેનની જીતને ભાઈએ વધાવી લીધી હતી અને એમાં તેણે પોતાની હારનું દુઃખ ભૂલીને તાળીઓ પાડીને ઉજવણી કરી હતી. આ દૃશ્યો જોઈને આસપાસના લોકો પણ ભાવુક બની ગયા હતા. ભાઈ-બહેન બન્ને તીર્થક્ષેત્ર વિકાસ આઘાડીની ટિકિટ પર ચૂંટણી લડ્યાં હતાં.

મોહોળમાં બાવીસ વર્ષની યંગસ્ટર બનશે પ્રથમ મહિલા નગરાધ્યક્ષ

એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાએ સોલાપુર જિલ્લામાં મોહોળ નગરપરિષદની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. આ ઇલેક્શનમાં બાવીસ વર્ષની સિદ્ધિ વસ્ત્રે નગરાધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવી છે જે મહારાષ્ટ્રના ઇતિહાસમાં સૌથી યંગેસ્ટ નગરાધ્યક્ષોમાંની એક બનશે. આ ઉપરાંત તે મોહોળની પ્રથમ મહિલા નગરાધ્યક્ષ પણ બનશે. સિદ્ધિએ ભારતીય જનતા પાર્ટી (BJP)નાં સિનિયર નેતા શીતલ ક્ષીરસાગરને ૧૭૦ મતના પાતળા માર્જિનથી હરાવ્યાં હતાં. સિદ્ધિએ કહ્યું હતું કે‍ હું મોહોળ શહેરના સર્વાંગી વિકાસ અને લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે કામ કરીશ. મોહોળની ૨૦માંથી ૧૧ બેઠક પર BJP, ૮ બેઠક પર શિવસેના અને ૧ બેઠક પર શિવસેના (UBT)નો વિજય થયો હતો.

mumbai news mumbai maharashtra news maharashtra maharashtra government jalgaon