15 June, 2026 10:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રણિત મોરે
સ્ટૅન્ડ-અપ કૉમેડી શોમાં ૩૭૦ રૂપિયાની બિરયાની ખવડાવીને સેક્સનો અધિકાર મળી ગયો જેવી વલ્ગર અને અસંવેદનશીલ ટિપ્પણીને કારણે વિવાદમાં ફસાયેલા કૉમેડિયન પ્રણિત મોરેની મુશ્કેલીઓ વધી છે. પહેલાં જ પ્રણિત વિરુદ્ધ ગુનો નોંધાયો છે ત્યારે હવે પ્રણિતના બધા જ કૉમેડી વિડિયો અને વાઇરલ ક્લિપ્સની તપાસ કરવાનો આદેશ મહારાષ્ટ્ર સરકારે આપ્યો છે. આખા કેસની તપાસ મહારાષ્ટ્ર સાઇબર પોલીસને સોંપવામાં આવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ફ્રાન્સની વિઝિટ પર છે. ગઈ કાલે તેઓ ફ્રાન્સના નીસ શહેરમાં રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રૉનને મળ્યા હતા. બન્ને દેશો વચ્ચે ગઈ કાલે દ્વિપક્ષીય બેઠક થઈ હતી. એમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશપ્રધાન એસ. જયશંકર પણ જોડાયા હતા. બન્ને દેશો વચ્ચે ડિફેન્સ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, સેમી-કન્ડક્ટર, સ્પેસ ટેક્નૉલૉજી, હેલ્થ-ટેક્નૉલૉજીના મુદ્દે સહયોગ વિશે ચર્ચા થઈ હતી. બન્ને નેતાઓએ ભારત ઇનોવેટ્સ ૨૦૨૬ પ્રોગ્રામનું ઇનોગ્રેશન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે ‘ભારત સૉલ્યુશન ખરીદનારો નહીં, પરંતુ દુનિયાને સૉલ્યુશન આપનારો દેશ છે.’
પાલઘરમાં એક મહિલા અને તેની સગીર બહેન પર બળાત્કાર અને બ્લૅકમેઇલ કરવાના આરોપમાં પાલઘર પોલીસે ભરૂચથી ૨૩ વર્ષના એક યુવાનની શનિવારે રાતે ધરપકડ કરી હતી. બે અઠવાડિયાં પહેલાં પાલઘરના દહાણુ વિસ્તારમાં ગુનો પ્રકાશમાં આવ્યો ત્યારથી નાસતા ફરતા આરોપીને શોધવા માટે કેટલાંક રાજ્યોમાં ટીમ મોકલવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP)નાં વિધાન પરિષદનાં સભ્ય ચિત્રા વાઘે આરોપી પકડાતાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે ‘બહેન-દીકરીઓને હેરાન કરનારાને છોડીશું નહીં.’
નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ના પેપર-લીક મામલે તથા CBSEના મૂલ્યાંકન વિવાદ વિશે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)એ ગઈ કાલે બૅન્ગલોરના ફ્રીડમ પાર્કમાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું. ઍક્ટર પ્રકાશ રાજ ફૂલ પકડીને વિરોધ-પ્રદર્શનમાં જોડાયા હતા. વરસાદમાં પણ મોટી સંખ્યામાં લોકો પોસ્ટર અને છત્રીઓ લઈને પહોંચ્યા હતા. પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી કરી હતી. અગાઉ હૈદરાબાદના ધરણા ચોક ખાતે પણ વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યાં સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે લોકોને સંબોધિત કર્યા હતા.
ઓમાનના અખાતમાં એક હોડી પલટી જતાં એમાં સવાર ૧૪ ભારતીયોને બચાવવા માટે અમેરિકન નેવીએ ભારતીય નૌકાદળને બચાવ-કામગીરીમાં મદદ કરી હતી. હોડીમાં સવાર તમામ ૧૪ લોકો ભારતીય નાગરિકો છે. તેમની સ્થિતિ અંગે હજી સુધી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ બચાવ-કામગીરી પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. આ હોડી ગઈ કાલે સવારે ઓમાનના તટથી ૮૦ કિલોમીટર દૂર ફસાઈ હતી અને એણે મદદ માગી હતી. અમેરિકન નેવીએ ભારતીય અધિકારીઓ અને નૌકાદળને જાણકારી આપી હતી અને પછી P-8 વિમાનને ત્યાં મોકલ્યું હતું. આ વિમાને લાઇફ રાફ્ટ હોડી પાસે ફેંકી હતી. ખલાસીઓ એમાં બેસી ગયા હતા. પછી એક વેપારી જહાજને આ હોડી પાસે મોકલવામાં આવ્યું હતું. ખલાસીઓની પરિસ્થિતિ વિશે જાણકારી મળી નથી.