09 November, 2025 02:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રત્નાગિરિ જિલ્લામાં ગણપતિપુળેના દરિયામાં મુંબઈના ગોવંડીનો ૨૬ વર્ષનો યુવક ડૂબી ગયો હતો, જ્યારે તેના બે મિત્રોને બચાવી લેવામાં આવ્યા હતા. શુક્રવારે સાંજે પાંચ વાગ્યે પ્રફુલ્લ ત્રિમુખે તેના બે મિત્રો સાથે પિકનિક માટે ગણપતિપુળે ગયો હતો. તે ત્રણેય દરિયાના પાણીમાં તરવા જતાં ડૂબી ગયા હતા. લાઇફ ગાર્ડ અને સ્થાનિક નાગરિકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં બે યુવકોને બચાવી શકાયા હતા અને પ્રફુલ્લે જીવ ગુમાવ્યો હતો. ગણપતિપુળે પોલીસ-સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો હતો તેમ જ પોસ્ટમૉર્ટમ પછી પ્રફુલ્લના પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.
લિફ્ટનો કેબલ તૂટી જવાથી ગર્ભવતી મહિલા અને બે બાળકો સહિત પાંચ લોકોને ઈજા
શનિવારે બપોરે થાણેમાં બેઝિક સર્વિસિસ ફૉર અર્બન પુઅર (BSUP)ના મકાનમાં લિફ્ટ તૂટી પડતાં એક ગર્ભવતી મહિલા અને બે બાળકો સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા. લિફ્ટ ચોથા અને પાંચમા માળની વચ્ચે હતી ત્યારે લિફ્ટનો કેબલ તૂટી ગયો હતો, જેને કારણે લિફ્ટ જોરદાર ધડાકા સાથે નીચે પડી ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓએ ફસાયેલા લોકોને બચાવ્યા હતા અને તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના અધ્યક્ષ યાસિન તડવીના જણાવ્યા મુજબ ફાયર-સ્ટેશનને આ ઘટના અંગે કોઈ માહિતી આપવામાં આવી નહોતી. સોશ્યલ મીડિયા પોસ્ટ્સ અને વાઇરલ વિડિયો દ્વારા તેમને જાણ થઈ એ પહેલાં બિલ્ડિંગના રહેવાસીઓએ ફસાયેલા લોકોએ બચાવી લીધા હતા. આ ઘટના બાદ થાણેના BJP યુનિટે મ્યુનિસિપલ કમિશનરને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું, જેમાં કોપરી અને સિદ્ધાર્થનગર વિસ્તારોનાં તમામ BSUP બિલ્ડિંગોનું સ્ટ્રક્ચરલ અને ટેક્નિકલ ઑડિટ કરવાની માગણી કરવામાં આવી હતી.
માલીમાં પાંચ ભારતીયોનાં અપહરણ
વેસ્ટર્ન આફ્રિકાના અશાંત એવા દેશ માલીમાં પાંચ ભારતીય નાગરિકોનું અપહરણ કરવામાં આવ્યું હોવાના અહેવાલોને અધિકારીઓએ ગઈ કાલે પુષ્ટિ આપી હતી. આ દેશ હાલમાં અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા (ISIS) સાથે જોડાયેલા આતંકવાદી જૂથ દ્વારા ચલાવવામાં આવતી હિંસા સામે લડી રહ્યો છે. ગુરુવારે પશ્ચિમ માલીના કોબરી નજીક કેટલાક સશસ્ત્ર માણસોએ ભારતીયોનું અપહરણ કર્યું હતું. ભારતીયો સ્થાનિક વીજળીકરણ પ્રોજેક્ટ્સમાં સામેલ એક કંપનીમાં કાર્યરત હતા. આ કંપનીના એક પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ અન્ય તમામ ભારતીય કામદારોને રાજધાની બામાકો ખસેડવામાં આવ્યા છે. હજી સુધી કોઈ જૂથે અપહરણની જવાબદારી સ્વીકારી નથી.
શ્રીનગરમાં ભૂતપૂર્વ સરકારી ડૉક્ટરના લૉકરમાંથી મળી AK-47 રાઇફલ
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં અનંતનાગના ભૂતપૂર્વ સરકારી ડૉક્ટર આદિલ અહમદ રાથેરના લૉકરમાંથી AK-47 રાઇફલ મળી આવતાં સનસનાટી મચી ગઈ હતી. આદિલે ૨૦૨૪ની ૨૪ ઑક્ટોબર સુધી અનંતનાગની ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજમાં સેવા આપી હતી. તે અનંતનાગના જલગુંડનો રહેવાસી છે. ઇન્ડિયન પીનલ કોડ અને અનલૉફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ (UAPA)ની વિવિધ કલમો હેઠળ નૌગામ પોલીસ-સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અને તપાસ એજન્સીઓ આ બાબતની ગંભીરતાથી તપાસ કરી રહી છે. આદિલ અહમદ રાથેર પર આવાં હથિયારો રાખવાનો અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં તેની સંડોવણીનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસ તેના કબજામાંથી જપ્ત કરાયેલાં હથિયારો અને અન્ય પુરાવાઓની સમીક્ષા કરશે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરશે.
સંસદનું શિયાળુ સત્ર ૧થી ૧૯ ડિસેમ્બર દરમ્યાન યોજાશે
સંસદનું શિયાળુ સત્ર ૧ ડિસેમ્બરથી ૧૯ ડિસેમ્બર સુધી યોજાશે એમ સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ તારીખો દરમ્યાન સંસદનું શિયાળુ સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી છે. બિહાર વિધાનસભાની ચૂંટણી પછી તરત જ યોજાનારું સંસદનું શિયાળુ સત્ર મહત્ત્વપૂર્ણ બનવાનું છે. વિપક્ષો રાષ્ટ્રવ્યાપી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને હરિયાણા તથા મહારાષ્ટ્રમાં કથિત વોટચોરીના મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરે એવી શક્યતા છે. SIRનો પહેલો તબક્કો બિહારમાં હાથ ધરવામાં આવ્યો હતો.