25 November, 2026 10:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘટનાનો વિડિયો ગયા અઠવાડિયે વાઇરલ થયો ત્યારે એ બનાવ પ્રકાશમાં આવ્યો હતો.
કુર્લામાં એક યંગ કપલ પર થયેલા હુમલા બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અસુરક્ષિત જણાતા બગીચાઓમાં મહારાષ્ટ્ર સિક્યૉરિટી ફોર્સ (MSF)ના જવાનો તહેનાત કરવા પર વિચાર કરી રહ્યું છે. BMC આવાં સ્થળોએ પૅટ્રોલિંગ વધારવાની માગણી કરતો પત્ર મુંબઈ પોલીસને પણ લખશે.
કુર્લા-વેસ્ટમાં આવેલા પ્રમોદ મહાજન ગાર્ડનમાં ૧૨થી ૧૫ વર્ષની વયના ૮ છોકરાઓએ એક યુવાન અને તેની ગર્લફ્રેન્ડ પર હુમલો કર્યો હતો. પબ્લિક પાર્કમાં બનેલી આ ઘટનાનો વિડિયો ગયા અઠવાડિયે વાઇરલ થયો ત્યારે એ બનાવ પ્રકાશમાં આવ્યો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે BMC આવા અસુરક્ષિત બગીચાઓની ઓળખ કરી રહી છે. એના મૂલ્યાંકનના આધારે આ સ્થળોએ MSFના જવાનો તહેનાત કરવાની માગણી કરવામાં આવશે.
બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસને ઓવરટેક કરવાનો પ્રયત્ન કરનારો સ્કૂટર સવાર બસ નીચે આવતાં મૃત્યુ પામ્યો હતો. મંગળવારે સવારે બનેલી આ ઘટનામાં મૃત્યુ પામનારા પચીસ વર્ષના યુવકનું નામ અજય પાટીલ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના સવારે ૭.૧૦ વાગ્યે કુર્લા (વેસ્ટ)માં બુદ્ધ કૉલોની નજીક બની હતી. રૂટ-નંબર ૩૧૦ની BESTની બસ કુર્લા સ્ટેશનથી બાંદરા ટર્મિનસ જઈ રહી હતી ત્યારે એની નીચે અજયનું સ્કૂટર આવી ગયું હતું. અજય જમણી બાજુએથી બસને ઓવરટેક કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે તે એક ટેમ્પો સાથે અથડાયો હતો અને પડી ગયો હતો અને બસનાં પૈડાંની નીચે આવી ગયો હતો. આ ઘટનામાં અજય પાટીલને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેને તાત્કાલિક રાજાવાડી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને વધુ વિગતો જાહેર કરાય એની રાહ જોવામાં આવી રહી છે.