ન્યુઝ શોર્ટમાં: માસ્ટર શેફ અને કૅન્સર વૉરિયર નીતા અંજનકરે ૫૬૪ કિલો કાચો ચેવડો બનાવીને વિક્રમ કર્યો

15 September, 2025 08:29 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

અગાઉનો ૫૦૦ કિલો ચેવડો બનાવવાનો વિક્રમ તોડીને નીતા અંજનકરે આ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે.

નીતા અંજનકર

નાગપુરની માસ્ટર શેફ નીતા અંજનકરે ૫૬૪ કિલો કાચો ચેવડો બનાવીને વિક્રમ નોંધાવ્યો છે. કૅન્સરપીડિત નીતા અંજનકરે કૅન્સરનું ઑપરેશન કરાવ્યાના એક અઠવાડિયા બાદ ચેવડો બનાવ્યો હતો. ૫૬૪ કિલો ચેવડો બનાવવાનો વિક્રમ એશિયા બુક ઑફ રેકૉર્ડ્‌સમાં નોંધાયો છે. અગાઉનો ૫૦૦ કિલો ચેવડો બનાવવાનો વિક્રમ તોડીને નીતા અંજનકરે આ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે.

વર્સોવા પોલીસ-સ્ટેશનમાં સાપ


વર્સોવા પોલીસ-સ્ટેશનના પરિસરમાં શનિવારે એક લાંબો અજગર ફરતો દેખાતાં પોલીસે સર્પમિત્રની મદદ લેવી પડી હતી. સર્પમિત્ર વિકી દુબેને જાણ કરવામાં આવતાં તે તરત ત્યાં પહોંચી ગયો હતો અને અજગરને ઈજા ન થાય એ રીતે એને પકડી લીધો હતો. ત્યાર બાદ એને એના નૈસર્ગિક વાતવરણમાં છોડી દેવામાં આવ્યો હતો. અજગરને કઈ રીતે પકડ્યો એ પોલીસ-સ્ટેશનના કર્મચારીઓએ તેમના મોબાઇલમાં વિડિયો બનાવીને કેદ કરી લીધું હતું. 

ભરૂચ જિલ્લાની પાનોલી GIDCમાં લાગી ભયંકર આગ

ભરૂચના અંકલેશ્વરની પાનોલી GIDC (ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન)માં ગઈ કાલે ભીષણ આગ લાગી હતી. GIDCમાં આવેલી સંઘવી ઑર્ગેનિક્સ કંપનીમાં અત્યંત જ્વલનશીલ કેમિકલને લીધે ભારે આગ ફાટી નીકળી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ૧૦થી વધુ ફાયર-ટૅન્કરો સાથે ફાયર-બ્રિગેડે સાડાત્રણ કલાકથી વધુ સમય સુધી જહેમત ઉઠાવી ત્યાર બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો.

mumbai news mumbai nagpur maharashtra news maharashtra cancer