01 July, 2026 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અટલ સેતુ
અટલ સેતુ પરથી આત્મહત્યા કરવાના કિસ્સામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રની વિધાનપરિષદમાં સોમવારે એક પ્રશ્નના ઉત્તરમાં સરકારે જણાવ્યું હતું કે ૨૦૨૪થી અત્યાર સુધીમાં અટલ સેતુ પર આત્મહત્યા અથવા આત્મહત્યાના પ્રયાસના કુલ ૧૫ કિસ્સા નોંધાયા છે, જેમાં ૧૨ લોકોએ જીવ ગુમાવ્યો છે. ગૃહમાં લાવવામાં આવેલી ધ્યાન દોરવાની નોટિસનો જવાબ આપતાં ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે જણાવ્યું હતું કે આ પુલ પરથી કૂદીને જીવ ગુમાવનારા ૧૨ લોકોમાંથી ૪ વ્યક્તિના મૃતદેહ હજી સુધી મળી આવ્યા નથી. ઉદય સામંતે માહિતી આપી હતી કે અટલ સેતુ પર બનતા આવા કિસ્સા અટકાવવા અને સુરક્ષાનાં યોગ્ય પગલાં અમલમાં મૂકવા માટે એક વરિષ્ઠ પોલીસ અધિકારીના નેતૃત્વ હેઠળ વિશેષ સમિતિની રચના કરવામાં આવશે તેમ જ બ્રિજ પર બૅરિકેડિંગ કરવાની સંબંધિત વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવશે.
મુંબઈગરાઓ હવે રસ્તા અને ફુટપાથ પર ગેરકાયદે બેસતા ફેરિયાઓની ફરિયાદ BMCને વૉટ્સઍપ ચૅટબૉટ દ્વારા કરી શકે છે. બૉમ્બે હાઈ કોર્ટ દ્વારા ઇશ્યુ કરાયેલા નિર્દેશોનું પાલન કરીને BMCએ એક ડેડિકેટેડ કમ્પ્લેઇન્ટ ઑપ્શન રજૂ કર્યો છે. BMCના વૉટ્સઍપ ચૅટબૉટમાં 8999-22-8999 નંબર પર નવી સુવિધા ઉમેરવામાં આવી છે, જેમાં નાગરિકો ગેરકાયદે ફેરિયાઓનું લોકેશન અને લાઇવ ફોટોગ્રાફ અપલોડ કરી શકે છે. એ પછી BMC એના પર ઍક્શન લેશે.
રસ્તે રખડતા કૂતરાઓ કે બીમારીથી પીડાતાં નાનાં પ્રાણીઓ માટેની BMCની મલાડ-વેસ્ટના એવરશાઇનનગરમાં આવેલી સ્મશાનભૂમિ આવતી કાલે બીજી જુલાઈથી ૧૧ જુલાઈ સુધી ૧૦ દિવસ મેઇન્ટેનન્સ માટે બંધ રહેશે. આ સમય દરમ્યાન એ સ્મશાનભૂમિનું ક્લીનિંગ, ઇન્સ્પેક્શન અન સર્વિસિંગ કરવામાં આવશે. BMCએ મેઇન્ટેનન્સના આ દિવસો દરમ્યાન લોકોને મહાલક્ષ્મી અને દેવનારની પ્રાણીઓ માટેની સ્મશાનભૂમિ વાપરવાનો અનુરોધ કર્યો છે.
દહિસર-ઈસ્ટના ઘરટનપાડા વિસ્તારના નાળામાં પડી ગયેલા એક માણસને પોલીસે ગઈ કાલે બપોરે સુખરૂપ બચાવી લીધો હતો. તે નાળામાં પડીને તણાઈ રહ્યો હોવાની માહિતી મળતાં જ દહિસર પોલીસ-સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ગાડી પરના અધિકારીએ ભારે જહેમત ઉઠાવીને તેને નાળામાંથી જીવતો બહાર કાઢીને તેનો જીવ બચાવ્યો હતો. જોકે તપાસ દરમ્યાન માલૂમ પડ્યું કે તે ભારે નશામાં હતો અને તેણે પોતે જ નાળામાં કૂદકો માર્યો હતો. આવી બેજવાબદાર હરકત કરીને સ્થાનિક નાગરિકોનો અને પોલીસટીમનો કીમતી સમય બગાડવા બદલ પોલીસે તેને ઘટનાસ્થળે જ બરાબરનો મેથીપાક ચખાડીને પાઠ ભણાવ્યો હતો.
થાણે-વેસ્ટના કૅડબરી બ્રિજના U ટર્ન પાસે ગઈ કાલે બપોરે ૩ વાગ્યે એક મોટી દુર્ઘટના ટળી હતી. નાગપુરથી ઘોડબંદર રોડ તરફ ૫૦ ટન સિમેન્ટ લઈને જઈ રહેલું એક સિમેન્ટ ટૅન્કર અચાનક રોડ પર પલટી મારી ગયું હતું. આ ટૅન્કરના ચાલક શ્રીવર્ધન ચૌકી હતા. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં ઘટનાસ્થળે કોઈનેય નાની-મોટી ઈજા થઈ નથી. ટ્રાફિક-પોલીસના કર્મચારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર સ્થાનિક પોલીસટીમની મદદથી આ ભારેભરખમ ટૅન્કરને સીધું કરવાની અને રસ્તા પરનો વાહનવ્યવહાર સામાન્ય કરવાની કામગીરી કરવામાં આવી હતી.
પવિત્ર અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ આતંકવાદી ષડયંત્રો વિરુદ્ધ એક મોટી સફળતા મળી છે. કઠુઆ પોલીસે પાકિસ્તાની આતંકવાદીઓ અને તેમના હૅન્ડલર્સના મુખ્ય મદદગાર હાજી લતીફની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ લતીફ ઘણાં વર્ષોથી સીમા પાર બેઠેલાં આતંકી સંગઠનોના સંપર્કમાં હતો. તપાસ-એજન્સીઓનો દાવો છે કે તેણે અત્યાર સુધીમાં બારથી વધુ પાકિસ્તાની આતંકવાદીઓને ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ઘૂસણખોરોને તેણે લૉજિસ્ટિક સપોર્ટ, સુરક્ષિત આશ્રયસ્થાનો અને અન્ય મદદ પૂરી પાડી હતી.
ધોરણ પાંચમાના અંગ્રેજી વિષયના એક પાઠ્યપુસ્તકમાં ભારે બેદરકારી સામે આવી છે. આ પુસ્તકમાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાય અભિનીત ૧૯૯૯ની પ્રખ્યાત બૉલીવુડ ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ના લોકપ્રિય ગીત ‘નિંબુડા નિંબુડા’ના લિરિક્સ ભૂલથી છપાઈ જતાં ચકચાર મચી છે. આ અજીબોગરીબ છબરડો સામે આવ્યા બાદ સોશ્યલ મીડિયા પર આ મુદ્દો વાઇરલ થઈ રહ્યો છે અને વાલીઓ, શિક્ષકો તેમ જ સામાન્ય યુઝર્સ દ્વારા શિક્ષણ બોર્ડ સામે તીખી પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. આ ગંભીર ભૂલને કારણે શાળાનાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની, એની સમીક્ષા કરવાની અને પ્રિન્ટિંગ કરવાની આખી પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા થયા છે. વાલીઓ અને શિક્ષણનિષ્ણાતો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કે આટલી મોટી અને સ્પષ્ટ ભૂલ એડિટિંગનાં અનેક સ્તરોમાંથી પસાર થઈને છેક ક્લાસરૂમ સુધી કેવી રીતે પહોંચી ગઈ?
દક્ષિણ ગુજરાતમાં ગઈ કાલે વરસાદ જાણે કે મન મૂકીને વરસ્યો હતો. નવસારીમાં ૪ ઇંચ જેટલો અને ધરમપુરમાં ૩ ઇંચ જેટલો, જ્યારે સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં ૩ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સવાબે ઇંચ વરસાદ પડતાં સુરત શહેરમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં જેના કારણે વાહનચાલકોની કફોડી હાલત થઈ હતી. હજી પણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૬૨ તાલુકાઓમાં વરસાદ પડયો હતો જેમાં ૨૦ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો જેના પગલે નદી, નાળાં, વોકળાઓમાં નવાં નીર આવ્યાં હતાં.