ન્યૂઝ શોર્ટમાં: ખુલ્લા મૅનહોલની દુર્ઘટનાઓથી મૅનહોલ રેલગાર્ડ બચાવશે

14 July, 2026 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોમવારે મેયર રિતુ તાવડે તથા ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગરે મૅનહોલ રેલગાર્ડનું નિરીક્ષણ કર્યું હતું

મૅનહોલ રેલગાર્ડ

અંધેરીના સાકીનાકામાં ખુલ્લા મૅનહોલમાં પડી જવાથી પંચાવન વર્ષના અસલમ શેખના મૃત્યુ બાદ ખુલ્લા મૅનહોલનો પ્રશ્ન ખૂબ ચગ્યો હતો. એને પગલે હવે BMC પણ આ સમસ્યાને ગંભીરતાથી લઈને મૅનહોલમાં પડવાની ઘટના ન બને એ માટે મૅનહોલ રેલગાર્ડ બેસાડવાની તૈયારીમાં છે. L વૉર્ડમાં પ્રાયોગિક ધોરણે મૅનહોલ રેલગાર્ડ બેસાડવામાં આવશે અને ત્યાર બાદ આખા શહેરમાં એનો ઉપયોગ કરવો કે નહીં એનો નિર્ણય લેવામાં આવશે. સોમવારે મેયર રિતુ તાવડે તથા ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગરે મૅનહોલ રેલગાર્ડનું નિરીક્ષણ કર્યું હતું.

બિહારમાં મહિલા ઉમેદવારે ચૂંટણીનું ફૉર્મ ભર્યું પછી તરત ધરપકડ, રડી પડ્યાં

બિહારની રાજધાની પટનાની બાંકીપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં એક નાટ્યાત્મક વળાંક આવ્યો હતો. તેજ પ્રતાપ યાદવની નવી પાર્ટી જનશક્તિ જનતા દલનાં ઉમેદવાર અને સામાજિક કાર્યકર વીણા માનવીએ ફૉર્મ ભર્યું કે તરત જ પોલીસે તેમની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તેમની સામે અગાઉના એક કેસમાં કોર્ટે બિનજામીનપાત્ર વૉરન્ટ બહાર પાડ્યું હતું. પોલીસ જ્યારે કાર્યવાહી કરવા પહોંચી ત્યારે વીણા માનવી ભારે ભાવુક થઈને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં હતાં, જે આ સમગ્ર ઘટનાનો મુખ્ય વળાંક બન્યો હતો. જોકે બાદમાં કોર્ટમાંથી તેમને જામીન મળી જતાં તેમને મુક્ત કરાયાં હતાં.

યાત્રાળુઓની સેવામાં પોલીસ

ગઈ કાલે અમરનાથ યાત્રા દરમ્યાન પહલગામ રૂટ પર બીમાર પડેલાં એક મહિલા યાત્રાળુને જમ્મુ-કાશ્મીર પોલીસની માઉન્ટેન રેસ્કયુ ટીમ (MRT)ના સભ્ય દ્વારા ઑક્સિજન આપવામાં આવ્યો હતો.

વસઈ-વિરારમાં વધુ પાંચ મૃતદેહો મળ્યા વરસાદી હોનારતમાં કુલ મૃત્યુઆંક ૧૦ પર પહોંચ્યો

વસઈ-વિરાર અને એની આસપાસના વિસ્તારોમાં પાછલા દિવસોમાં થયેલા મુશળધાર વરસાદ અને પૂરને કારણે સર્જાયેલી તારાજીની વરવી વાસ્તવિકતા સામે આવી રહી છે. છેલ્લા બે દિવસ દરમ્યાન જુદા-જુદા વિસ્તારોમાંથી વધુ પાંચ મૃતદેહો મળી આવ્યા છે. એની સાથે જ આ વરસાદી હોનારતમાં સત્તાવાર મૃત્યુઆંક વધીને ૧૦ પર પહોંચી ગયો છે. મોટા ભાગના લોકોએ પૂરના પાણીમાં ડૂબી જવાથી અથવા તણાઈ જવાથી જીવ ગુમાવ્યો હોવાની આશંકા છે.જુલાઈ મહિનાની શરૂઆતમાં સતત પાંચ દિવસ સુધી પડેલા અતિભારે વરસાદને કારણે સમગ્ર વસઈ-વિરાર પંથકમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. એને લીધે નદી-નાળાં, તળાવો અને જળાશયો ભયજનક સપાટીએ ઓવરફ્લો થઈ ગયાં હતાં. હવે વરસાદનું જોર ઓછું થતાં અને પૂરનાં પાણી ઓસરતાંની સાથે જ એક પછી એક મૃતદેહો મળી રહ્યા છે.બચાવ અને શોધખોળ ટુકડીઓને શુક્રવાર અને શનિવાર દરમ્યાન જુદાં-જુદાં જળાશયોમાંથી લોકોના મૃતદેહ મળ્યા છે. એમાં ૮ જુલાઈથી ગુમ પ્રદીપ ગૌતમનો મૃતદેહ શુક્રવારે વાલિવના એક તળાવમાંથી મળી આવ્યો હતો, જ્યારે ૯ જુલાઈથી લાપતા નીલેશનો મૃતદેહ નાલાસોપારાના નીલેગાવ તળાવમાંથી મળી આવ્યો હતો. શુક્રવારે જ એક અજાણ્યા પુરુષનો મૃતદેહ વસઈ ફોર્ટ જેટી નજીકથી મળી આવ્યો હતો અને શનિવારે વસઈના ડૅમમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.

અંધેરીમાં તળાવમાં ડૂબી જવાથી ૧૦ વર્ષના બાળકનું મોત

અંધેરી-વેસ્ટમાં ડી. એન. નગરની જુહુ ગલીના વાયરલેસ કમ્પાઉન્ડ નજીક એક ખાનગી માલિકીના તળાવમાં ગઈ કાલે બપોરે આશરે અઢી વાગ્યે ડૂબી જવાથી ૧૦ વર્ષના એક બાળકનું મૃત્યુ થયું હતું. વાયરલેસ કમ્પાઉન્ડ નજીકની ઝૂંપડપટ્ટીમાં રહેતા બેથી ૩ બાળકો તળાવમાં નહાવા માટે ગયાં હતાં. એ દરમ્યાન ૧૦ વર્ષનો દિનેશ હરિજન અચાનક ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. તેની શોધખોળ માટે તરત જ રેસ્ક્યુ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તેને બચાવી શકાયો નહોતો. 

ફોર્ટમાં સ્કૂલ-બસ અને કાર વચ્ચે ટક્કર : વાહનોને નુકસાન, કોઈને ઈજા નહીં

ફોર્ટ વિસ્તારમાં એક કારે સ્કૂલ-બસને જોરદાર ટક્કર મારી હતી. ગઈ કાલે સવારે ફૅશન સ્ટ્રીટમાં બનેલી આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નહોતું. જોકે આ ઘટનામાં સ્કૂલ-બસના અને કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. સદ્ભાગ્યે આ ઘટના બની ત્યારે સ્કૂલ-બસમાં વિદ્યાર્થીઓ નહોતા. અકસ્માત થયો એ બસ કૅથીડ્રલ ઍન્ડ જૉન કૉનન સ્કૂલની હોવાનું જાણવા મળ્યું હતું. 

વરલી ફાયર-બ્રિગેડ સ્ટેશનના પરિસરમાં રહેતા ડૉગના મૃત્યુ બાદ સ્ટાફે કર્યા અંતિમ સંસ્કાર

વરલી ફાયર-બ્રિગેડ સ્ટેશનના પરિસરમાં છેલ્લાં ૧૫ વર્ષથી બધા જ સ્ટાફનો લાડલો બની ગયેલો બોગો નામનો ડૉગ તાજેતરમાં ઉંમરને કારણે બીમાર પડીને મૃત્યુ પામ્યો ત્યાર બાદ વરલી ફાયર-બ્રિગેડ દ્વારા સત્તાવાર રીતે એને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તથા પારંપરિક હિન્દુ વિધિ પ્રમાણે એના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા, જેનો વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો હતો. ફાયર-બ્રિગેડના સ્ટાફનો મૂક પ્રાણી પ્રત્યેનો આ પ્રેમ તથા આદર જોઈને નેટિઝન્સે પણ તેમને સૅલ્યુટ કરી હતી.

mumbai news mumbai ritu tawde brihanmumbai municipal corporation vasai virar andheri