31 July, 2026 09:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં બધી જ ઍપ-આધારિત પૅસેન્જર ટ્રાન્સપોર્ટ સર્વિસ આપતી કંપનીઓને પહેલી સપ્ટેમ્બર સુધીમાં ઍગ્રિગેટર પૉલિસી 2026 હેઠળ આ વર્ષે રજિસ્ટ્રેશન કરાવવાની સૂચના આપી છે. પહેલી સપ્ટેમ્બરની ડેડલાઇન બાદ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી ન કરનારી અથવા નિયમોનું ઉલ્લંઘન કરનારી કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે એવી ચેતવણી સરકારે આપી છે. મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે નવી પૉલિસીથી ઍપ-આધારિત પૅસેન્જર ટ્રાન્સપોર્ટ વધુ સુરિક્ષત અને પારદર્શક બનશે. બધા જ ઑપરેટરો નવી પૉલિસીનું પાલન કરે છે કે નહીં એની ખાતરી કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.
મીરા-ભાઈંદરમાં ઘોડબંદર રોડ પર ખાડાને કારણે રિક્ષા પરથી ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં રિક્ષા ખીણમાં પડી ગઈ હતી. જોકે રિક્ષા-ડ્રાઇવર સમયસર રિક્ષામાંથી બહાર કૂદી જતાં તેનો જીવ બચી ગયો હતો. પછીથી ક્રેન વડે ખીણમાંથી રિક્ષા બહાર કાઢવામાં આવી ત્યારે એની દશા જોઈને જો ડ્રાઇવર એમાંથી કૂદ્યો ન હોત તો તેના કેવા હાલ થાત એનો અંદાજ લગાવી શકાય છે.
ગુજરાતમાં મેઘરાજાએ ફરી ભારે મેઘગર્જના કરવાની તૈયારી કરી લીધી છે જેના કારણે આજથી ૩ દિવસ ગુજરાત માટે ભારે છે. ગુજરાતમાં આજે તેમ જ ૧-૨ ઑગસ્ટ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જેના પગલે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજસ્થાનના જયપુરમાં ગાંધીનગર સ્ટેશન નજીક નૅશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા (NSUI)ના ૩ કાર્યકરોએ વિદ્યાર્થી સંઘની ચૂંટણી ફરી શરૂ કરવાની માગણી અને જંતરમંતર ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ-લાઠીચાર્જના વિરોધમાં પાણીની ટાંકી પર ચડીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આ દરમ્યાન પોલીસે અને વહીવટી તંત્રે પરિસ્થિતિ પર નજર રાખી હતી.