30 July, 2026 10:39 AM IST | Shirdi | Gujarati Mid-day Correspondent
શિર્ડીના સાંઈબાબાને ચડાવવામાં આવેલો ૧.૦૫ કરોડ રૂપિયાનો મુગટ.
શિર્ડીના સાંઈબાબા મંદિરમાં આંધ્ર પ્રદેશના એક સાંઈભક્તે ૧.૦૫ કરોડ રૂપિયાનો હીરાજડિત સોનાનો મુગટ ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુદિક્ષણા તરીકે ભેટમાં આપ્યો હતો. મંદિરના ટ્રસ્ટને આપવામાં આવેલા આ મુગટમાં હીરા ઉપરાંત અન્ય રત્નો પણ જડવામાં આવ્યા હોવાનું મંદિર ટ્રસ્ટે જણાવ્યું હતું.
થાણે-વેસ્ટના વાગલે એસ્ટેટ સ્થિત કિસાન નગર વિસ્તારમાં આવેલી થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ની શાળા નજીકના એક કૂવામાંથી ૩૨ સેન્ટિમીટર લાંબુ મગરનું બચ્ચું મળી આવતાં સ્થાનિકોમાં કૌતુક સાથે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક રહીશોએ તાત્કાલિક વાઇલ્ડલાઇફ વેલફેર અસોસિએશન (WWA)ની હેલ્પલાઇન પર સંપર્ક કરીને જાણ કરી હતી, જેના આધારે રેસ્ક્યુ ટીમે સ્થળ પર પહોંચીને મગરના બચ્ચાને સહીસલામત બહાર કાઢ્યું હતું. બચાવટુકડીએ કૂવામાં ફસાયેલા આ બચ્ચાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું. કૂવો આ સરિસૃપ માટે યોગ્ય કુદરતી વાસ ન હોવાથી એને તાત્કાલિક પ્રાથમિક મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યું હતું. વનવિભાગની જરૂરી મંજૂરી અને લીલી ઝંડી મળ્યા બાદ એને એના કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવશે.
ઑરેન્જ ગેટ ટુ મરીન ડ્રાઇવ ટનલ પ્રોજેક્ટ હેઠળ ૬૫૦ મીટર લાંબા ખોદકામનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.આ ટનલ જમીનથી આશરે ૫૦ મીટરની ઊંડાઈએ રેલવેલાઇન, હેરિટેજ બિલ્ડિંગો અને મેટ્રો કૉરિડોરની નીચેથી પસાર થઈ રહી છે. ૯.૨૩ કિલોમીટર લાંબો આ ટ્વિન-ટનલ કૉરિડોર ઈસ્ટર્ન ફ્રીવે અને કોસ્ટલ રોડને સીધો જોડશે. આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા બાદ ઑરેન્જ ગેટથી મરીન ડ્રાઇવ વચ્ચેનો મુસાફરીનો સમય ૪૦ મિનિટથી ઘટીને માત્ર પાંચ મિનિટ થઈ જશે. ટનલનું અલાઇનમેન્ટ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), રેલવે-ટ્રૅક અને મેટ્રો ૩ની નીચેથી સફળતાપૂર્વક તૈયાર કરવામાં આવી રહ્યું છે.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC)ના હૅડક્વાર્ટરની બહાર પાર્ક કરવામાં આવેલી એક કાર પર રાજકીય બૅનર પડ્યું હતું, જેના કારણે કારને નુકસાન પહોંચ્યું હતું. જોકે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નહોતી. ઘટના બાદ થોડી જ વારમાં નજીકમાં રહેલા સિક્યોરિટી ગાર્ડ્સે બૅનર ત્યાંથી હટાવી દીધું હતું. બૅનર લગાવતાં પૂર્વે જરૂરી પરવાનગી લેવામાં આવી હતી કે નહીં એની તપાસ TMC કરી રહી છે. આ ઘટનાના પછી રાજકીય બૅનરોના કારણે લોકોની સલામતી સામે ઊભા થતા જોખમનો પ્રશ્ન ફરી ઊભો થયો છે.
ચંદ્રપુરમાં ૨૯ જુલાઈએ ઇન્ટરનૅશનલ ટાઇગર ડે નિમિત્તે જ ટ્રેનના લોકો પાઇલટની સમયસૂચકતાને કારણે એક વાઘનો જીવ બચ્યો હતો. ચંદ્રપુરમાં બલ્લારશા-ગોંદિયા દરમ્યાન જતી ટ્રેનની સામે અચાનક વાઘ આવી ગયો હતો. જોકે ટ્રેનના લોકો પાઇલટે રેલવે-ટ્રૅક પર વાઘને દૂરથી જ જોઈ લીધો હતો અને ઇમર્જન્સી બ્રેક મારીને ટ્રેનની સ્પીડ ઓછી કરી હતી તથા હૉર્ન વગાડ્યું હતું. જેને પગલે વાઘ રેલવે-ટ્રૅક પરથી બીજી દિશામાં કૂદી ગયો હતો.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પાકિસ્તાની દળોએ એક છોકરીની હત્યા કરીને તેના શરીરને સશસ્ત્ર વાહનની આગળ બાંધી દીધું હતું. આ ઘટનાનો એક વિડિયો વાઇરલ થયો છે અને અેમાં દેખાય છે કે એક છોકરીનો મૃતદેહ બખ્તરબંધ વાહનની આગળ બાંધી દેવામાં આવ્યો છે. ઘણાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સે આ વિડિયો શૅર કર્યો છે જેમાં એકમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની દળોએ એક માસૂમ છોકરીને ગોળી મારી પછી તેના શરીરને સશસ્ત્ર વાહનના આગળના ભાગમાં એવી રીતે મૂકી દીધું જાણે તે કોઈ ટ્રોફી કે ઇનામ હોય. તેમણે તેને શેરીઓમાં પરેડ કરાવી. નાપાક આર્મી ઘણાં વર્ષોથી ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં આ જ કરી રહી છે.