16 February, 2025 01:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૨૦ વર્ષ જૂના ફોર્ટના ફ્રીમેસન હૉલમાં લાગેલી ભીષણ આગ ૩ કલાકે કાબૂમાં આવી (તસવીર : સતેજ શિંદે)
તળ મુંબઈના ફોર્ટ વિસ્તારના સ્ટર્લિંગ સિનેમા સામે આવેલા ૧૨૦ વર્ષ જૂના ફ્રીમેસન હૉલમાં ગઈ કાલે બપોરે ૨.૨૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. બે માળના હૉલના બીજા માળે આવેલી ઑફિસમાં આગ લાગી હતી જેને કારણે બહુ જ ધુમાડો થઈ ગયો હતો. ફાયર-બ્રિગેડના જવાનોએ ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે એ દરમ્યાન હૉલને ઘણું જ નુકસાન થયું હતું. આગ ઓલવતી વખતે તેમનો એક જવાન ઘાયલ થતાં તેને ગોકુળદાસ તેજપાલ (GT) હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો જ્યાં તેની હાલત સ્ટેબલ હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું.
બમ બમ ભોલે
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહાકુંભમાં પરિવાર સાથે ડૂબકી લગાવ્યા બાદ ગઈ કાલે તેમણે પત્ની અમૃતા અને દીકરી દિવીજા સાથે કાશી વિશ્વનાથનાં ભક્તિભાવથી દર્શન કરી પૂજાઅર્ચના કરી હતી.
હોળી પહેલાં જ મુંબઈગરા ગરમીથી ત્રાહિમામ્હોળી પહેલાં જ મુંબઈગરા ગરમીથી ત્રાહિમામ્
સામાન્ય રીતે હોળી પછી મુંબઈમાં ધીમે-ધીમે પારો ઉપર ચડવા માંડતો હોય છે. જ્યારે આ વર્ષે તો હજી ફેબ્રુઆરી માંડ અડધો પત્યો છે ત્યાં જ બફારાનો, ગરમીનો અહેસાસ થવા માંડ્યો છે. શુક્રવારે હવામાન ખાતાની સાંતાક્રુઝ ઑબ્ઝર્વેટરીમાં ૩૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગઈ કાલે પણ ૩૬.૧ ડિગ્રી તાપમાનની નોંધ થઈ હતી. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હજી થોડા દિવસ આવો જ ગરમીનો માહોલ ચાલુ રહેશે. આજે પણ પારો ૩૭ ડિગ્રી સુધી પહોંચી શકે એવી આગાહી કરવામાં આવી છે. (તસવીર : આશિષ રાજે)
પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર બસ અને જીપની ટક્કરમાં ૧૦ શ્રદ્ધાળુઓનાં મૃત્યુ
મહાકુંભમાં સ્નાન કરવા માટે છત્તીસગઢના કોરબા જિલ્લાથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ આવી રહેલા ૧૦ શ્રદ્ધાળુઓ ભરેલી બોલેરો જીપ એક બસ સામે ટકરાતાં એમાં પ્રવાસ કરતા તમામ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ અકસ્માતમાં ૧૯ લોકો ઘાયલ થયા હતા. પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર મેજા ગામ પાસે આ અકસ્માત શુક્રવારે રાતે થયો હતો. ઘાયલોને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વીક-એન્ડમાં ફરી એક વાર મહાકુંભમાં માનવમહેરામણ ઊમટ્યો
વીક-એન્ડને લીધે પ્રયાગરાજમાં ગઈ કાલથી ફરી એક વાર જબરદસ્ત ગિરદી શરૂ થઈ હતી. આ જ કારણસર પ્રશાસને આજ સુધી આખા પ્રયાગરાજને નો-વેહિકલ ઝોન જાહેર કરી દીધો છે.
ગયા અઠવાડિયાની જેમ જ ગઈ કાલે પણ શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમ સુધી પહોંચવા માટે બૅરિકેડ્સ તોડીને જતા જોવા મળ્યા હતા. માનવમહેરામણ મહાકુંભમાં ઊમટી પડ્યો હતો અને ઠેર-ઠેર ટ્રૅફિક જૅમ પણ થઈ ગયો હતો.
વાહ! ક્યા તાજ હૈ
બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન રિશી સુનક અને તેમનાં પત્ની અક્ષતા મૂર્તિએ ગઈ કાલે આગરામાં આવેલા તાજમહલની મુલાકાત લીધી હતી. અક્ષતા મૂર્તિ ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિનાં દીકરી છે.