02 February, 2026 07:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માનવ-અવશેષ
વસઈના માણિકપુરની એક ચાલની વર્ષોથી ન વપરાતી પાણીની ટાંકીમાંથી માનવ-અવશેષો મળી આવ્યા છે. વસઈના નૌપાડા વિસ્તારની ૩૦ વર્ષ જૂની બારકુલ્યા ચાલની પાણીની ટાંકીમાંથી માનવ-ખોપરી, હાથનાં અને અન્ય હાડકાં તેમ જ એક શર્ટ અને પૅન્ટ મળી આવ્યાં છે. વર્ષોથી એ પાણીની ટાંકી ઉપયોગમાં લેવાતી નહોતી. બિલ્ડિંગનું રિપરિંગ ચાલી રહ્યું છે એટલે એ ટાંકી મજૂરો તોડી રહ્યા હતા ત્યારે એ ખોપરી અને હાડકાં મળી આવ્યાં હતાં. એની જાણ માણિકપુર પોલીસને કરવામાં આવી હતી. માણિકપુર પોલીસ અને ફૉરેન્સિક લૅબના કર્મચારીઓ દ્વારા એ હાડકાં અને શર્ટ તાબામાં લેવામાં આવ્યાં હતાં. આ હાડકાં કોનાં હોઈ શકે અને એ હત્યા હતી કે અંધશ્રદ્ધાનો કોઈ પ્રકાર એ બાબતે પોલીસે હવે તપાસ ચાલુ કરી છે.
મેટ્રો 4 માટે ભાંડુપ-ઈસ્ટમાં ૩ વિશાળ સ્ટીલ સ્પૅનનું સફળ લૉન્ચિંગ થયું છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા હાથ ધરવામાં આવેલા આ ઑપરેશનમાં કુલ ૩૨૫ ટન વજનના સ્ટીલના સ્પૅન ગોઠવવામાં આવ્યા હતા. આ કામ માટે ૮ હેવી-ડ્યુટી ક્રેન્સ અને ૧૨ મલ્ટિ-એક્સલ ટ્રેઇલર્સનો ઉપયોગ થયો હતો. ૪ દિવસ માટે ભાંડુપમાં રાતે ટ્રાફિક ડાઇવર્ઝનની જાહેરાત કરી હતી, પરંતુ બે દિવસમાં કામ પૂરું થયું હતું.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટી (BJP)એ NCP સાથે મહાયુતિ રચીને ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. એનાં કારણોમાં એવું જણાવાયું હતું કે NCP જો એના મુંબઈના અધ્યક્ષ નવાબ મલિકના નેજા હેઠળ ચૂંટણી લડવાની હોય તો એ તેમને મંજૂર નહોતું. નવાબ મલિકે દાઉદની બહેન હસીના પારકર પાસેથી પ્રૉપર્ટી ખરીદી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે એ પછી NCP મુંબઈમાં એકલા હાથે લડી હતી અને ૩ બેઠક પર વિજય મેળવ્યો હતો. હવે NCPએ BMCમાં શિવસેનાને સપોર્ટ જાહેર કર્યો છે અને એની સામે NCPને વિવિધ સમિતિઓમાં સ્થાન આપવાનો નિર્ણય શિવસેનાએ લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગણેશ નાઈકનો પ્રભાવ અને વર્ચસ જોવા મળ્યાં હતાં અને ૧૧૧ બેઠક ધરાવતી NMMCમાં BJPના ૬૫ નગરસેવક જીતી આવ્યા હતા. એમાં પાછો એક અપક્ષને લેતાં તેમની સંખ્યા ૬૬ પર પહોંચી છે, જ્યારે શિવસેનાના ૪૨ નગરસેવક ચૂંટાઈ આવ્યા છે. NMMCમાં મેયરપદ આ વખતે મહિલા માટે અનામત છે. BJP તરફથી મેયરપદ માટે સુજાતા પાટીલે ફૉર્મ ભર્યું છે, જ્યારે ડેપ્યુટી મેયર માટે દશરથ ભગતે ફૉર્મ ભર્યું છે. સામા પક્ષે શિવસેના તરફથી સરોજ પાટીલે મેયરપદ માટે અને આકાશ મડવીએ ડેપ્યુટી મેયર માટે ફૉર્મ ભર્યું છે. આમ એકનાથ શિંદેએ હવે ગણેશ નાઈકના ગઢમાં બ્યૂગલ ફૂંક્યું છે. પાંચમી ફેબ્રુઆરીએ આયોજિત NMMCની જનરલ મીટિંગમાં આ રસાકસીભરી ચૂંટણીનું પરિણામ આવવાનું છે.
ગઈ કાલે વહેલી સવારે મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવે પર કાર ચલાવનારને ઝોકું આવતાં અકસ્માત થયો હતો, જેમાં નાના બાળક અને તેની મમ્મીનો જીવ ગયો હતો. થાણેથી નાગપુર જઈ રહેલા પરિવારની કારે આગળ જતા એક કન્ટેનરને ટક્કર મારી હતી. સ્પીડમાં આવતી કાર ટક્કરને લીધે કન્ટેનરમાં ઘૂસી ગઈ હતી અને મોટા ભાગની કારના ફુરચા ઊડી ગયા હતા. આ અકસ્માત ખૂબ જ ભયંકર હતો અને કારમાં બેઠેલી મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે બાળકને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેણે હૉસ્પિટલમાં લઈ જતી વખતે જીવ ગુમાવ્યો હતો. હાઇવેની વચ્ચે અકસ્માત થતાં ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. ક્રેનની મદદથી કાર હટાવ્યા બાદ ટ્રાફિક સરળ બન્યો હતો.