ન્યૂઝ શોર્ટમાં: ભારે વરસાદને કારણે માળશેજ ઘાટનો રોડ આખેઆખો ધસી ગયો

28 July, 2026 08:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહિલ્યાનગર-કલ્યાણ સેક્શન પર વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ

ભારે વરસાદને કારણે ધસી ગયેલો રોડ.

જુન્નર નજીક નૅશનલ હાઇવે પર ૧૦૦ મીટરના પટ્ટા પરનો રોડ સંપૂર્ણપણે ધસી ગયો હોવાને કારણે માળશેજ ઘાટ પરનો ટ્રાફિક-વ્યવહાર સંપૂર્ણપણે અટકાવી દેવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે આ ઘટના બની હોવાનું પ્રશાસને જણાવ્યું હતું. એને પગલે હાઇવે ટ્રાફિક-પોલીસના પુણે યુનિટે જાહેર નોટિસ બહાર પાડી હતી અને લોકોને નૅશનલ હાઇવે–૬૧ (અહિલ્યાનગર-કલ્યાણ)ના માળશેજ ઘાટ સેક્શનને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આગામી નોટિસ સુધી અહીં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવાનું નોટિસમાં જણાવાયું હતું. જો ભારે વરસાદના સતત ચાલુ રહ્યો તો અહીં રસ્તા ધસી પડવા જેવી વધુ દુર્ઘટના બની શકે એવી શક્યતા છે.

૪ કરોડ રૂપિયાની કિંમતની વ્હેલની ઊલટી સાથે આરોપી અલીબાગમાંથી પકડાયો

અલીબાગમાં પોલીસે એક માણસને ‘ઍમ્બર્ગિસ’ તરીકે ઓળખાતી વ્હૅલ માછલીની ઊલટી સાથે પકડ્યો હતો જેની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાર કરોડ રૂપિયા છે. પૅટ્રોલિંગ કરી રહેલી પોલીસની ટીમને એક માણસ મોટરસાઇકલ પર જતો દેખાયો હતો અને તેની હિલચાલ શંકાસ્પદ જણાતાં તેને ઊભો રાખ્યો હતો. તેની અને તેની બાઇકની ઝડતી લેવાતાં બાઇક કમ્પાર્ટમેન્ટમાંથી કપડાની થેલીમાંથી અૅમ્બર્ગિસ મળી આવી હતી, ત્યાર પછી પોલીસે રાહુલ નામના આરોપીની ધરપકડ કરી હતી.

મોટા પ્રોજેક્ટ્સ માટે નાણાં ઊભાં કરવા BMC ૯૫૦૦ કરોડ રૂપિયાના બૉન્ડ બહાર પાડશે

ફક્ત પોતાની આવક પર નિર્ભર ન રહેતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) હવે અેના મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ માટે માર્કેટમાંથી નાણાં ઊભાં કરવાનું વિચારી રહી છે. એ માટે ૯૫૦૦ કરોડ રૂપિયાના બૉન્ડ બહાર પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિસેમ્બર સુધીમાં એ બહાર પાડવાનો BMCનો ઇરાદો છે. એ એકસાથે બહાર પાડવા કે તબક્કાવાર બહાર પાડવા એના પર હાલ અસમંજસ છે અને ચર્ચા ચાલી રહી છે. આ બૉન્ડ ઇશ્યુ કરવાની પ્રોસેસ માટે BMCએ એ. કે. કૅપિટલ સર્વિસિસ લિમિટેડ, ટિપસન્સ  કન્સલ્ટન્સી સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ અને ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઍડ્વાઇઝર પ્રાઇવેટ લિમિટેડની અેના બૅન્કર્સ તરીકે પસંદગી કરી છે. બજારમાંથી ઊભા કરેલા આ રૂપિયામાંથી ૭ વેસ્ટ વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કૉમ્પ્રિહેન્સિવ ફ્લડ કન્ટ્રોલ માસ્ટર પ્લાન, પમ્પિંગ સ્ટેશન, ટનલ અને ગોરેગામ–મુલુંડ લિન્ક રોડ જેવા મોટા પ્રોજેક્ટ્સ માટે અેમાંથી રૂપિયા ફાળવવાનો BMCનો વિચાર છે.

અમરાવતીની ત્રણ આદિવાસી રેસિડેન્શિયલ સ્કૂલોના ૧૦૦ કરતાં વધુ સ્ટુડન્ટ્સને ફૂડ-પૉઇઝનિંગની અસર

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં ૩ રેસિડેન્શિયલ સ્કૂલના ૧૦૦થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને શંકાસ્પદ ફૂડ-પૉઇઝનિંગથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આદિવાસી વિકાસ પ્રોજેક્ટ અધિકારી સિદ્ધાર્થ શુક્લાએ જણાવ્યું હતું કે આ બાબતે સ્કૂલોને ભોજન પૂરું પાડતા સેન્ટ્રલાઇઝ્ડ કિચનના મૅનેજર સામે પોલીસ-ફરિયાદ નોંધાઈ છે. સ્કૂલના વિદ્યાર્થીઓએ શનિવારે ભોજન ખાધા પછી ઊલટી થવાની ફરિયાદ કરી હતી. ૬૯ વિદ્યાર્થીઓને ધારણીની સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે ધારણી તાલુકાના બિજુધાવડી અને સાવલીખેડામાં સરકારી રહેણાક સ્કૂલોના ૭૦ વિદ્યાર્થીઓમાં સમાન લક્ષણો જોવા મળ્યાં હતાં અને તેમને પણ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોટા ભાગના સ્ટુડન્ટ્સને સારવાર આપ્યા બાદ તબિયતમાં સુધારો જણાતાં રજા આપવામાં આવી હતી, જ્યારે ૩૨ સ્ટુડન્ટ્સને ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા. જોકે તેમની સ્થિતિ સ્થિર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું છે. 

શું કોઈના પડવાની રાહ જોવાઈ રહી છે?

ચોમાસું શરૂ થયું ત્યારથી રસ્તા પરના ખાડા, ઝાડ અને ખુલ્લી ગટરો લોકોના જીવ લઈ રહ્યા છે છતાં પ્રશાસન દ્વારા પૂરતાં પગલાં લેવાઈ ન રહ્યાં હોય એ વારંવાર છતું થાય છે. ખાર-વેસ્ટમાં લિન્કિંગ રોડ પર રસ્તા પર આવેલા મૅનહોલનું ઢાંકણું બેસી ગયું છે પણ અેને રિપેર કરવા માટે કોઈ રાહદારી કે ટૂ-વ્હીલર ડ્રાઇવર આમાં પડે એની જાણે રાહ જોવાઈ રહી હોવાનું લાગી રહ્યું છે. તસવીર: શાદાબ ખાન 

ઘાટકોપરની SNDT કૉલેજમાં આગ: કમ્પ્યુટર્સ અને ઇક્વિપમેન્ટ્સ બળી ગયાં

ઘાટકોપર-વેસ્ટની કામા ગલીમાં આવેલી SNDT વિમેન્સ કૉલેજમાં ગઈ કાલે સવારે ૮.૧૯ વાગ્યે આગ લાગી હતી. ૩ માળની કૉલેજના બિલ્ડિંગના પહેલા માળે આવેલા ક્લાસ D-105માં કમ્પ્યુટર લૅબમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ તરત જ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ પચીસ જ મિનિટમાં આગ પર કાબૂ મેળવીને એને ઓલવી નાખી હતી. જોકે આ દરમ્યાન ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટૉલેશન્સ, ટીવી સેટ અને કમ્પ્યુટર લૅબનાં અન્ય ઇક્વિપમેન્ટ્સ બળીને ખાખ થઈ ગયાં હતાં. આ દુર્ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થવાના અહેવાલ નહોતા. 

mumbai news mumbai maharashtra news maharashtra monsoon news mumbai monsoon mumbai rains