05 August, 2026 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજ્ય સરકાર દ્વારા હોમિયોપથી પ્રૅક્ટિશનરોને મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (MMC)માં નોંધણી આપવાની દરખાસ્તના વિરોધમાં મહારાષ્ટ્ર અસોસિએશન ઑફ રેસિડન્ટ ડૉક્ટર્સ (MARD) દ્વારા આજથી રાજ્યવ્યાપી અનિશ્ચિત મુદતની હડતાળ પાડવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે દરદીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને શરૂઆતના ૨૪ કલાક દરમ્યાન ઇમર્જન્સી કેસનું કામકાજ ચાલુ રાખવામાં આવશે, જ્યારે બીજી તરફ રાજ્યની તમામ સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હૉસ્પિટલોમાં આઉટ ડોર પેશન્ટ (OPD) સર્વિસ, રૂટીન કામગીરી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ રહેશે. સંગઠને સ્પષ્ટ કર્યું છે કે અનેક વાટાઘાટો છતાં સર્ટિફિકેટ કોર્સ ઇન મૉડર્ન ફાર્માકોલૉજી પૉલિસીના અમલીકરણ વિશે કોઈ સંતોષકારક ખાતરી મળી નથી. હાલ આ બાબત અદાલતમાં વિચારાધીન છે અને કોઈ સ્પષ્ટ કાનૂની કે નિયામક માળખું ન હોવાથી સેન્ટ્રલ MARD દ્વારા આંદોલન કરવામાં આવશે.
શ્રી વર્ધમાન ચૅરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે મહારાષ્ટ્રની વિવિધ ૫૦૪થી વધુ ગૌશાળા પાંજરાપોળમાં પૂ. શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી હિતેશભાઈ જસાણીની ભાવનાથી મંગલવર્ધની જીવદયાના ઉપાસક રાજુભાઈ શાહના માર્ગદર્શનમાં ગૌમાતા જીવરક્ષા સ્ટૅન્ડ - કાઉ લિફ્ટિંગ મશીનનું વિતરણ કરાતાં જીવદયાપ્રેમીઓમાં અનેરો ઉલ્લાસ વર્તાયો છે. આ મશીન ૮૦૦ જેટલી ગૌમાતાની પ્રસૂતિ, બીમારી વગેરેમાં ઉપયોગી બની રહ્યાં છે. સૌરાષ્ટ્રની પાંજરાપોળમાં પણ આ મશીન મોકલવામાં આવ્યાં છે. એક મશીનનો નકરો ૨૫,૦૦૦ રૂપિયા છે. એના ગુણાંકમાં ગમે અેટલાં મશીનનો લાભ લઈ શકાશે. મશીન પર દાતાનું નામ લખાશે. વધુ વિગત માટે રાજુ શાહ અને હિતેશ જસાણી-ઘાટકોપરનો સંપર્ક કરવા જણાવાયું છે. વધુ વિગત માટે ૯૩૨૧૧ ૩૧૬૧૦ નંબર પર સંપર્ક કરવો.
મહારાષ્ટ્ર સરકારે ડોમ્બિવલીની મોટાગાવ જેટીથી રોલ ઑન-રોલ ઑફ (Ro-Ro) ફેરી, વૉટર ટૅક્સી અને વૉટર મેટ્રો સર્વિસનો પ્રથમ તબક્કો ડિસેમ્બર મહિના સુધીમાં શરૂ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જેનાથી સ્થાનિક મુસાફરોની કનેક્ટિવિટીમાં મોટો સુધારો થશે.મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)ના વૉટર ટ્રાન્સપોર્ટ નેટવર્ક માટે મોટાગાવ રો-રો જેટી તરફ જતા અપ્રોચ રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. મોટાગાવ ગણેશઘાટને નવી બની રહેલી જેટી સાથે જોડતો આ રોડ શરૂ થયા બાદ મુસાફરો અને વાહનોની અવરજવરને અત્યંત સરળ બનાવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ડિસેમ્બર સુધીમાં કાર્યરત થવાના માર્ગે છે. ત્યાર બાદ રો-રો ફેરી, વૉટર ટૅક્સી અને વૉટર મેટ્રો સર્વિસ શરૂ કરી દેવામાં આવશે.
શિર્ડીના સાંઈબાબાનાં ચરણે એક પરિવારે સોનામાં લખાયેલું ‘રામ’ નામ અર્પણ કર્યું હતું. ૭૬ ગ્રામ સોનાનું આ રામ નામ ૧૦ લાખ રૂપિયાની કિંમતનું હોવાનું કહેવાય છે. સાંઈ સંસ્થાન દ્વારા એ રામ નામ અર્પણ કરનાર દુબઈમાં રહેતાં પવન, શ્વેતા, પ્રતીક અને તમન્ના કચરુનું સન્માન કરવામાં આવ્યું હતું.