26 June, 2026 10:25 AM IST | Shirdi | Gujarati Mid-day Correspondent
શિર્ડીમાં સાંઈબાબાનાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને હલકી ગુણવત્તાના પેંડા વેચનારાઓ પર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ બુધવારે કાર્યવાહી કરી
શિર્ડીમાં સાંઈબાબાનાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને હલકી ગુણવત્તાના પેંડા વેચનારાઓ પર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ બુધવારે કાર્યવાહી કરીને ૬૦૦ કિલોથી વધુ હલકી ગુણવત્તાના પેંડા પકડ્યા હતા. પકડાયેલા પેંડાની કિંમત બે લાખ રૂપિયા હોવાનું પ્રશાસને જણાવ્યું હતું. છેલ્લા થોડા સમયથી શ્રદ્ધાળુઓ અહીં મળતા પેંડાની ગુણવત્તા વિશે ફરિયાદ કરતા હોવાનું ધ્યાનમાં આવતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. FDAએ કાર્યવાહી કરીને બધા જ પેંડા જપ્ત કરીને એનો નિકાલ કર્યો હતો. અધિકારીઓએ આપેલી માહિતી મુજબ આ પેંડા પ્રસાદ તરીકે સાંઈબાબાના મંદિરના પરિસરમાં વેચવામાં આવતા હતા. અગાઉ પણ FDAએ શિર્ડીમાં કાર્યવાહી કરીને મંદિરમાં પ્રસાદ તરીકે વેચાતી મીઠાઈ જપ્ત કરી હતી. બુધવારે સવારથી જ FDAએ કાર્યવાહી કરીને અહીંની દુકાનો અને પેંડા બનાવતાં યુનિટ્સ પર રેઇડ પાડીને તપાસ શરૂ કરી હતી. એ દરમ્યાન તેમને શંકા જતાં એના નમૂના લેવામાં આવ્યા હતા.
ટિટનસ-ડિપ્થેરિયા (TD)ની વૅક્સિન અપાવાને કારણે તેનું મૃત્યુ થયું હોવાનો આરોપ નાશિકના એક પપ્પાએ મૂક્યો છે. આ ઘટનાને પગલે વૅક્સિનેશન ડ્રાઇવ જ બંધ કરાવી દેવામાં આવી છે.
નાશિક જિલ્લાના ખુટવડનગરમાં બુધવારે વૅક્સિનેશન ડ્રાઇવ વખતે શ્રાવણી પાટીલને TDનો ડોઝ અપાયો ત્યાર પછી તેની તબિયત બગડતાં તેનું મૃત્યુ થયું હોવાનો આરોપ તેના પપ્પા અનિલ પાટીલે લગાવ્યો છે. વૅક્સિન લીધા બાદ શ્રાવણીને ચક્કર આવવા માંડ્યાં હતાં અને ત્યાર પછી તે બેભાન થઈ જતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેરકરી હતી. દીકરીના મૃત્યુ બદલ જે પણ જવાબદાર હોય તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માગણી અનિલ પાટીલે કરી છે. નાશિક મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આ વૅક્સિનેશન ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ જ વૅક્સિનથી બીજા ૬ લોકોને પણ ડોઝ અપાયા હતા, પરંતુ તેમને કોઈ જ તકલીફ થઈ ન હોવાનું નાશિક મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેલ્થ-ઑફિસર વિજય દેવકરે જણાવ્યું હતું. હાલપૂરતું વૅક્સિનેશનનું અભિયાન સ્થગિત કરવામાં આવ્યું છે.
BJPમાં જવા માગતા સંસદસભ્યને શિવસેનામાં જવા મનાવ્યાઑપરેશન ટાઇગર અંતર્ગત શિવસેના (UBT)ના એક સંસદસભ્યને લઈને ટેન્શન હતું. મૂળમાં તો આ બધા છએ છ સંસદસભ્યો ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવા ઇચ્છતા હતા, પણ તેમને BJPમાં લેવા કે શિવસેનામાં એની ભાંજગડ હતી. સૂત્રોનું કહેવું છે કે શિવસેનાના અધ્યક્ષ એકનાથ શિંદે આ બાબતે BJPના હાઈ કમાન્ડને દિલ્હીમાં જઈને પાંચ વાર મળ્યા હતા. જોકે એમાં પણ એક સંસદસભ્ય અટકી ગયા હતા. તેમને BJPમાં જ જવું હતું. આખરે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મધ્યસ્થી કરીને તેમને સમજાવ્યા હતા અને મુત્સદ્દીભરી રીતે શિવસેનામાં જ જોડાવા કહ્યું અને આખરે તેમણે એ સ્વીકાર્યા બાદ જ ઑપરેશન ટાઇગર સફળતાપૂર્વક પાર પડ્યું હતું. આમ દેવેન્દ્ર ફડણવીસની આ ઑપરેશન ટાઇગર પાછળ મોટી ભૂમિકા રહી હતી.
મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રિસાઇડિંગ ઑફિસર રાજુ ખૈરેએ ગુરુવારે રાજ્ય સરકારને પુણેના બિઝનેસમૅન કેતન અગ્રવાલની હત્યાની તપાસ કરવા માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો હતો. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વિધાનસભ્ય સુનીલ શેળકેએ વિધાનસભામાં આ ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો અને માગણી કરી હતી કે આ હત્યાકેસમાં આરોપી સિયા ગોયલના પરિવારને પણ આરોપી બનાવવામાં આવે. સભાગૃહની કાર્યવાહી ચલાવી રહેલા પ્રિસાઇડિંગ ઑફિસર રાજુ ખૈરેએ આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને સરકારને તાત્કાલિક SIT દ્વારા તપાસ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે શિવસેના (UBT)ના વરિષ્ઠ સભ્ય ભાસ્કર જાધવે આ નિર્દેશ પર સવાલ ઉઠાવતાં પૂછ્યું હતું કે શું પ્રિસાઇડિંગ ઑફિસરનો આ આદેશ સરકાર માટે બંધનકર્તા રહેશે ખરો? તેમણે અગાઉના કેટલાક કિસ્સાઓનો હવાલો આપતાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં વિધાનપરિષદના ડેપ્યુટી ચૅરપર્સનના ચુકાદાને મુખ્ય પ્રધાન દ્વારા ફગાવી દેવામાં આવ્યો હતો એટલું જ નહીં, અગાઉ વિધાનસભાના પ્રિસાઇડિંગ ઑફિસર દ્વારા આપવામાં આવેલા આદેશનો પણ અમલ કરવામાં આવ્યો નહોતો.
અરુણાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા અવિરત ભારે વરસાદને કારણે કેયી પાન્યોર જિલ્લામાં પૂર અને ભૂસ્ખલને ભારે તબાહી મચાવી છે. આ કુદરતી આફતમાં વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલયનાં એક મહિલા શિક્ષિકા નિર્મલા ગુપ્તાનું મોત થયું હતું, જ્યારે અન્ય ૪ લોકો પાણીના જોરદાર પ્રવાહમાં વહી જવાથી હજી પણ લાપતા છે. આ ઉપરાંત ૧૭ લોકો ઘાયલ થયા છે, જેમાંથી ૩ની હાલત અત્યંત ગંભીર હોવાનું હૉસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું હતું. ભારે વરસાદને કારણે એક નિર્માણાધીન દીવાલ ધરાશાયી થતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં જેને કારણે ઓછામાં ઓછાં ૧૮ ઘરને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.