ન્યૂઝ શોર્ટમાં: રૅપિડોના સ્થાપકો વિરુદ્ધ RTOએ ગુનો નોંધ્યો

06 July, 2026 08:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગેરકાયદે બાઇક ટૅક્સી સર્વિસ ચલાવવા બદલ કાર્યવાહી

પ્રતીકાત્મક તસવીર

સરકાર પાસેથી જરૂરી પરવાનગી લીધા વગર પેટ્રોલ પાવર્ડ બાઇક-સર્વિસ ચલાવવા બદલ રોપન ટ્રાન્સપોર્ટેશન સર્વિસિસ, જે રૅપિડો એપ્લિકેશન ચલાવે છે, એના સ્થાપકો હૃષીકેશ એસ.આર., પવન ગુંટુપલ્લી અને અરવિંદ સાંકા વિરુદ્ધ નાગપુરમાં રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) દ્વારા કરાયેલી ફરિયાદને પગલે ગુનો નોંધવામાં આવ્યો છે. RTO ઇન્સ્પેક્ટર વિશાલ મધુકરરાવ ભોવતેએ કરેલી ફરિયાદ મુજબ ૨૩ જૂને RTO દ્વારા ગેરકાયદે પૅસેન્જર ટ્રાન્સપોર્ટ વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જે દરમ્યાન રૅપિડો ઍપ દ્વારા રવિ ભવનથી પ્રિયદર્શની કૉલૉની સુધી બાવીસ રૂપિયામાં બાઇકની રાઇડ બુક કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન જણાયું હતું કે એક પ્રાઇવેટ બાઇકનો યોગ્ય લાઇસન્સ તેમ જ અન્ય પરવાનગી લીધા વિના બાઇક ટૅક્સી તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. ફરિયાદમાં જણાવાયા મુજબ રૅપિડોએ મહારાષ્ટ્ર સરકાર કે પછી RTO પાસેથી પેટ્રોલ પાવર્ડ બાઇક ટૅક્સી ચલાવવા માટે કોઈ પણ જરૂરી પરવાનગી કે લાઇસન્સ લીધું નથી જેને પગલે ફરિયાદ કરવામાં આવી હતી.

નાશિકની યેવલા નગરપાલિકામાં મહાયુતિમાં જ ભંગાણ

શિવસેનાના ૧૦માંથી ૭ નારાજ નગરસેવકો NCPમાં જોડાય એવી પ્રબળ શક્યતા

નાશિકની યેવલા નગરપાલિકામાં શિવસેનાના દસમાંથી ૭ નગરસેવકોએ શિવસેનાના સ્થાનિક નેતૃત્વ સામે નારાજગી વ્યક્ત કરીને પોતાનો ટેકો નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) અને ભારતીય જનતા પાર્ટી (BJP)ને ટેકો જાહેર કર્યો છે. સાતેય નગરસેવકો શિવસેના છોડીને NCPમાં પ્રવેશ કરે એવી પણ પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બળવો શિવસેનાના સ્થાનિક વિધાનસભ્ય કિશોર દરાડે માટે મોટો ફટકો માનવામાં આવે છે. સાતેય નગરસેવકોએ ભૂતપૂર્વ વિધાનસભ્ય સમીર ભુજબળની સાથે રાજ્યના પ્રધાન છગન ભુજબળના જનસંપર્ક કાર્યાલયમાં બેઠક યોજી ત્યાર પછી પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ દરમ્યાન સમીર ભુજબળે કહ્યું હતું કે ‘રાજ્યમાં મહાયુતિના ઘટક પક્ષો એકસાથે હોય તો પણ સ્થાનિક સ્તરે એકબીજા સાથે મતભેદ હોઈ શકે છે. જોકે શહેર અને વિભાગના વિકાસ માટે બધા એકસાથે આવી જઈએ છીએ.’

પ્રથમેશની પ્રથમ મૂર્તિ

હજી તો ગણેશ ચતુર્થીને બે મહિનાની વાર છે ત્યારે ગણેશમૂર્તિ તૈયાર થઈને ભક્ત મંડળ સુધી પહોંચાડવાનો પહેલો અવસર જોવા મળ્યો હતો. આ વર્ષે ગણેશોત્સવ પહેલાં મુંબઈના રસ્તા પર બાપ્પાની પહેલવહેલી મૂર્તિ દેખાઈ હતી. બોરીવલી-ઈસ્ટના રાજેન્દ્રનગરના સિદ્ધિવિનાયક આર્ટ્સ દ્વારા બનાવાયેલી મૂર્તિને સુરતના એક ગણેશમંડળે બુક કરાવી છે અને એને સુરત મોકલવા માટે રવાના પણ કરી દેવાઈ છે. શનિવારે ગણેશમૂર્તિને બહાર કઢાઈ ત્યારે એની ઝલક જોવા માટે ભરવરસાદમાં સેંકડો ગણેશભક્તો ઊમટ્યા હતા અને 
ઢોલ-તાશા સાથે ગણેશજીનું સ્વાગત કર્યું હતું. 

પ. પૂ. મુનિશ્રી વિદ્યાચંદ્ર વિજયજી મહારાજસાહેબનો માટુંગામાં ચાતુર્માસ પ્રવેશ

પ. પૂ. મુનિશ્રી વિદ્યાચંદ્ર વિજયજી મહારાજસાહેબે ગઈ કાલે જેઠ વદ પાંચમે પાંચમી જુલાઈએ ચાતુર્માસ પ્રવેશ કર્યો હતો. ચાતુર્માસ પ્રવેશનો મંગલ સમારોહ ભાઉદાજી રોડ પર શ્રી માટુંગા કચ્છી મૂર્તિપૂજક શ્વેતાંબર જૈન સંઘની શ્રી નારાણજી શામજી મહાજન વાડીમાં ઊજવાયો હતો. પ. પૂ. મુનિશ્રી વિદ્યાચંદ્ર વિજયજી મહારાજસાહેબ ચાતુર્માસ માટે માટુંગાના ભાઉદાજી રોડ પર આવેલા હબ ટાઉન હેવન બિલ્ડિંગમાં સી-૨૦૧માં શ્રી ધર્મ ભક્તિ પ્રેમ સુબોધ આરાધના ભવન ખાતે બિરાજમાન છે. તસવીર: બન્ટીઝ જિનલ સ્ટુડિયો

પરમ પૂજ્ય મુનિરાજ શ્રી પ્રિયદર્શીવિજયજી મહારાજસાહેબ કાળધર્મ પામ્યા

પૂજ્ય આચાર્ય શ્રી જયસુંદર સૂરીશ્વરજી મહારાજસાહેબના શિષ્ય, તપસ્વી પરમ પૂજ્ય મુનિરાજ શ્રી પ્રિયદર્શીવિજયજી મહારાજસાહેબ ગઈ કાલે, જેઠ સુદ પાંચમના રોજ પવઈની હીરાનંદાની હૉસ્પિટલમાં કાળધર્મ પામ્યા હતા. તેમને શનિવારે ઘાટકોપર-વેસ્ટમાં આવેલી ઉડિપી હોટેલની બહાર BESTની બસની ટક્કર લાગી હતી.

mumbai news mumbai jain community nashik maharashtra news maharashtra