✕

News In Shorts: સિંહસ્થ કુંભમેળા માટે શંખનાદ નાશિકમાં થયો વર્લ્ડ રેકૉર્ડ

26 October, 2026 08:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે શરદ પૂર્ણિમાની સાંજે નાશિકમાં સામૂહિક શંખનાદનું આયોજન કરવામાં આવ્યું હતું

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં નામ નોંધાવીને વિશ્વમાં ભારતનો ડંકો બજાવનારા નહીં, શંખ ગજાવનારાઓની એક તસવીર.

નાશિકમાં ૩૧ ઑક્ટોબરે પવિત્ર સિંહસ્થ કુંભમેળા માટે ધ્વજારોહણ થવાનું છે અને એ પહેલાં જ ધ્વજારોહણ પૂર્વેના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. જાણે કુંભમેળાની શરૂઆતનો શંખનાદ હોય એ માટે ગઈ કાલે શરદ પૂર્ણિમાની સાંજે નાશિકમાં સામૂહિક શંખનાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોદાવરી નદીના કાંઠે યોજાયેલા શંખનાદના આ કાર્યક્રમમાં ૫૦૧ લોકોએ ભાગ લીધો હતો અને એકસાથે શંખનાદ કરીને અમેરિકાનો એકસાથે ૩૦૩ લોકોએ શંખનાદ કર્યાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધાયેલો રેકૉર્ડ તોડ્યો હતો. જોકે ભક્તિ અને દેશભક્તિનો અનોખો સંગમ ત્યારે જોવા મળ્યો જ્યારે ગિનેસ બુકના પ્રતિનિધિ હૃષીકેશ નાગે સૌથી વધુ લોકો સાથેના સામૂહિક શંખનાદનો રેકૉર્ડ ભારતના નામે કર્યો. આ ઘોષણા સાથે જ ગોદાવરીનો પાવન કાંઠો ભારત માતા કી જયના નારા સાથે ગૂંજી ઊઠ્યો હતો.

દાદર કબૂતરખાનાની આસપાસ પારદર્શક ઍક્રિલિક શીટ્સ લગાડવામાં આવી

બૉમ્બે હાઈ કોર્ટે આપેલા આદેશને કારણે દાદર કબૂતરખાનામાં પક્ષીઓને ચણ નાખવાનું છેલ્લા એક વર્ષથી બંધ છે. હમણાં સુધી આ કબૂતરખાનાને પતરાની શીટ્સથી ઢાંકવામાં આવતું હતું જેથી કોઈ ચણ ન નાખી શકે. જોકે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓને જાણ થઈ કે ફેરિયાઓ ગેરકાયદે એ પતરાની શીટ ખસેડી ત્યાં તેમનો માલ રાખતા હતા. ત્યાર બાદ BMCએ વર્ષો જૂના કબૂતરખાનાની અંદર જોઈ પણ શકાય, બંધ પણ રહે અને એ જગ્યામાં અતિક્રમણ ન થાય એ માટે પારદર્શક ઍક્રિલિક શીટ્સ પસંદ કરવાનું નક્કી કર્યું હતું. BMCના જી-નૉર્થ વૉર્ડના સહાયક મ્યુનિસિપલ કમિશનર યોગેશ દેસાઈએ જણાવ્યું હતું કે હવે ઍક્રિલિકની ટ્રાન્સપરન્ટ શીટ લગાડી દેવાઈ છે. કોઈ પણ એમાં પ્રવેશ ન કરે એની ખાતરી કરવા માટે કબૂતરખાના પર કડક દેખરેખ રાખવામાં આવશે. 

BMCએ પ્રતિષ્ઠિત કોલાબા કૉઝવે પર ૯૧ યુનિફૉર્મ હૉકર સ્ટૉલ માટે ૨.૨૮ કરોડનો કૉન્ટ્રૅક્ટ આપ્યો

કોલાબા શહેરનો પહેલો વિસ્તાર હશે જ્યાં BMCના QR કોડ-આધારિત ઓળખ કાર્ડ ધરાવતા ફેરિયાઓને યુનિફૉર્મ સ્ટ્રીટ વેન્ડિંગ સ્ટૉલ આપવામાં આવશે. ૨૦૨૪માં કોઝવેના ડેવલપમેન્ટના ભાગરૂપે એકસરખા સ્ટૉલ અને દુકાનનું નામ ધરાવતા સાઇન બોર્ડ સાથેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કલ્પના કરવામાં આવી હતી. આ પહેલને સ્થાનિક વિધાનસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરના પ્રયાસો દ્વારા ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ ઍન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (DPDC) દ્વારા સંપૂર્ણપણે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ્ય ફેરિયાઓને સુવિધા પૂરી પાડવાનો છે અને રસ્તા પરથી જોવામાં આવે ત્યારે સ્ટાન્ડર્ડાઇઝ અને આકર્ષક દેખાવ રજૂ કરવાનો છે. આ સ્ટૉલનો એક પ્રોટોટાઇપ કોઝવે ખાતે રાખવામાં આવ્યો હતો. આ સ્ટૉલનો પહેલો લોટ આગામી અઠવાડિયામાં આવવાની અપેક્ષા છે.

mumbai news mumbai nashik maharashtra news maharashtra guinness book of world records kumbh mela