14 February, 2025 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઐરોલીના એક બિલ્ડરને ધમકાવવા માટે તેની ઑફિસની બહાર બે ગોળી ફાયર કરવામાં આવી હોવાની ઘટના ગઈ કાલે બપોરે ૩ વાગ્યે બની હતી. રબાળે પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર બાલકૃષ્ણ સાવંતે કહ્યું હતું કે ફાયરિંગની આ ઘટના બની છે જેમાં બે ગોળી ફાયર કરવામાં આવી છે અને અમે એ સંદર્ભે વધુ તપાસ ચલાવી રહ્યા છીએ. સૂત્રોએ જણાવ્યા અનુસાર બિલ્ડર સંજય શર્માને ધમકાવવા માટે જ આ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પોલીસે શંકાસ્પદ આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્ર સરકાર આવક વધારવા પહેલાં ૧૦૦ કરોડનો ખર્ચ કરશે
રાજ્ય સરકારે સરકારી જમીન પર ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૨૦૦ LED ઍડ્વર્ટાઇઝિંગ હોર્ડિંગ્સ ઊભાં કરવાનો નિર્ણય ગુરુવારે લીધો હતો. રાજ્યનાં ચીફ સેક્રેટરી સુજાતા સૌનિકના વડપણ હેઠળની હાઈ ઑથોરિટી કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઍડ્વર્ટાઇઝિંગ હોર્ડિંગ્સને કારણે દર મહિને ૨૫-૩૦ કરોડની ભાડાની આવક થઈ શકશે એમ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ હોર્ડિંગ્સ પ્રાઇવેટ પાર્ટીઓને આપવામાં આવે તો એનાથી રૉયલ્ટીની આવક પણ ઊભી થઈ શકે એમ રાજ્યના ડિરેક્ટર જનરલ ઑફ ઇન્ફર્મેશન ઍન્ડ ટેક્નૉલૉજી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું.
જિધર દેખૂં તેરી તસવીર નઝર આતી હૈ
સાઉથ મુંબઈમાં આવેલા પૅરૅડૉક્સ મ્યુઝિયમમાં ગઈ કાલે સેલ્ફી લેતું એક કપલ. ઑપ્ટિકલ ઇલ્યુઝનનું એટલે કે જે નથી છતાં એની ભ્રમણા કરાવતું આ મ્યુઝિયમ થોડા મહિના પહેલાં ખૂલ્યું છે.
ઍન્ટિ નાર્કોટિક્સ સેલે ત્રણ જણને પકડી ૨.૨૧ કરોડ રૂપિયાનું મેફેડ્રોન જપ્ત કર્યું
થાણે પોલીસની ઍન્ટિ નાર્કોટિક્સ સેલના ઑફિસરોએ પાકી માહિતીના આધારે થાણેના શિળ-ડાયઘર વિસ્તારમાં આવેલા એક બિલ્ડિંગમાં બુધવારે રાતે રેઇડ પાડી હતી. તેમણે આ કાર્યવાહી અંતર્ગત ત્રણ આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી ૨,૨૧,૮૨,૦૦૦ની કિંમતનું ૧.૧૦૯ કિલો મેફેડ્રોન જપ્ત કર્યું હતું. પકાડાયેલા આરોપીઓ ૨૧ વર્ષનો અમાન કમાલ ખાન પોલ્ટ્રીનો બિઝનેસ કરે છે, ૧૯ વર્ષનો ઇલિયાસ કૌસર ખાન હોટેલિયર છે અને બન્ને રાજસ્થાનના છે. ત્રીજો આરોપી ૨૫ વર્ષનો સૈફ અલી અસાબુલ હક ડ્રાઇવર છે. પ્રાથમિક તપાસમાં જણાયા મુજબ આ ત્રણે આરોપીઓ એક મહિલાને આ મેફેડ્રોન વેચવાના હતા. પોલીસ હવે એ મહિલાને શોધી રહી છે અને આરોપીઓ સામે ગુનો નોંધીને તેમની પૂછપરછ કરી રહી છે.
મેટ્રો-2A અને મેટ્રો-7ના પ્રવાસીઓની સંખ્યા ૧૬,૦૦,૦૦,૦૦૦ની નજીક પહોંચી
દહિસર-ઈસ્ટથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની ઉપર ગુંદવલી સુધી દોડતી મેટ્રો-7 અને દહિસરથી લિન્ક રોડ પર વેસ્ટમાં અંધેરીના ડી. એન. નગર સુધી દોડતી મેટ્રો-2Aને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે અને બન્નેમાં અત્યાર સુધી ૧૫,૮૪,૮૧,૫૮૯ કરતાં વધુ મુંબઈગરાઓએ પ્રવાસ કર્યો છે. બન્ને લાઇન પર મળીને સોમવારથી શુક્રવાર રોજની ૨૫૮ સર્વિસ અને
વીક-એન્ડમાં ૨૩૫ સર્વિસ દોડાવવામાં આવે છે.
થાણેમાં પાણીની ટાંકીમાં પડી જવાથી ૩ વર્ષના બાળકનું મોત
થાણેમાં રહેતા ૩ વર્ષના છોકરાનું પાણીની ટાંકીમાં પડી જવાથી મોત થયું હોવાની ઘટના મંગળવારે બપોરે બની હતી. છોકરાની મમ્મી છોકરાને લઈ તેમના ઘોડબંદર રોડ પર રહેતા એક સંબંધીને મળવા ગઈ હતી ત્યારે છોકરો બહાર રમી રહ્યો હતો. જોકે રમતાં-રમતાં તે પાણીની ટાંકીમાં પડી ગયો હતો. થોડી વાર બાદ તેની મમ્મી સંબંધીના ઘરેથી નીકળતી વખતે તેને શોધ્યો તો તે મળ્યો નહોતો. બહુ તપાસ પછી આખરે તે પાણીની ટાંકીમાં પડેલો દેખાયો હતો. તેને તરત જ બહાર કાઢી હૉસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ડૉક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. પોલીસને આ વિશે જાણ કરવામાં આવતાં પોલીસે તેના મૃતદેહનો તાબો લઈ પોસ્ટમૉર્ટમ માટે મોકલાવ્યો હતો અને આ સંદર્ભે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધ્યો હતો.