18 March, 2026 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધારવાડ અને ધારાશિવમાં પડેલા કરા.
ગયા અઠવાડિયે ભરઉનાળાની ગરમીનો અનુભવ થયા બાદ ગઈ કાલે વિદર્ભ સહિત અમુક પ્રદેશોમાં માવઠું થયું હતું. કર્ણાટકની બૉર્ડર પર આવેલા ધારવાડમાં હિમવર્ષા થઈ હતી. ત્યાંના વડીલોના કહેવા પ્રમાણે આવો બરફ ક્યારેય તેમણે પોતાના ગામમાં જોયો જ નથી. ધારાશિવમાં પણ ભારે કરા પડ્યા હતા. કમોસમી વરસાદને કારણે કેરીના પાક સાથે જુવાર અને ઘઉંના ઊભા પાકને પણ ભારે નુકસાન થયું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે મુંબઈ અને પાલઘરમાં પણ આજે અને આવતી કાલે ગાજવીજ સાથે માવઠું થવાની આગાહી છે. વાતાવરણમાં પલટો થવાને કારણે આગામી ૪ દિવસમાં રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.
પુણે, રાયગડ સહિત મહારાષ્ટ્રના ૧૮ જિલ્લાઓમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થવાની આગાહી છે. પવન ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. આ જિલ્લાઓમાં યલો અલર્ટ આપવામાં આવી છે. મુંબઈ, થાણે અને પાલઘરમાં સાધારણ વરસાદ પડવાની શક્યતા સાથે હવામાન ખાતાએ ગ્રીન અલર્ટની આગાહી કરી છે.