સંજય ગાંધી નૅશનલ પાર્કનું નામ બદલવાની કે અંદર યુનિવર્સિટી બનાવવાની કોઈ યોજના નથી

25 June, 2026 12:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવી દરખાસ્ત કાયદાકીય રીતે યોગ્ય ન હોવાને કારણે માન્ય ન હોવાની વિધાનસભામાં સ્પષ્ટતા

મહારાષ્ટ્રના ફૉરેસ્ટ મિનિસ્ટર ગણેશ નાઈક

મહારાષ્ટ્રના ફૉરેસ્ટ મિનિસ્ટર ગણેશ નાઈકે બુધવારે વિધાનપરિષદમાં સ્પષ્ટતા કરી હતી કે સંજય ગાંધી નૅશનલ પાર્ક (SGNP)નું નામ બદલીને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવાની કે એની જમીન પર કોઈ યુનિવર્સિટી કે ટાઉનશિપ સ્થાપવાની સરકારની કોઈ યોજના નથી.

આ સંદર્ભે મીડિયામાં આવેલા અહેવાલો વિશે પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં ગણેશ નાઈકે જણાવ્યું હતું કે ‘જાન્યુઆરી ૨૦૨૪માં તત્કાલીન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને એક દરખાસ્ત સબમિટ કરવામાં આવી હતી. આ દરખાસ્તમાં નૅશનલ પાર્કની અંદર એક વર્લ્ડ ક્લાસ  યુનિવર્સિટી સ્થાપવાની અને આ પાર્કનું નામ બદલીને ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવાની રજૂઆત કરવામાં આવી હતી.’

આ દરખાસ્તમાં SGNP અને આરે મિલ્ક કોલોનીની હદમાં એક ઇન્ટિગ્રેટેડ ટાઉનશિપ વિકસાવવાની વાત પણ કહેવામાં આવી હતી. આ દરખાસ્ત નાગપુરના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ્સ (વાઇલ્ડલાઇફ)ને મોકલવામાં આવી હતી.

ગણેશ નાઈકે સ્પષ્ટ કર્યું કે આ પ્રકારની દરખાસ્તો કાયદાકીય રીતે યોગ્ય ન હોવાથી આ રજૂઆતને ફગાવી દેવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને ૨૦૧૯થી આ પ્રકારની રજૂઆતો મળતી રહી છે. જોકે ૨૦૨૬ની ૧૫ મેએ એક પત્ર દ્વારા પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ્સે પણ સત્તાવાર રીતે જણાવ્યું છે કે પ્રવર્તમાન કાયદા અનુસાર નૅશનલ પાર્કના નૉટિફાઇડ વિસ્તારની અંદર યુનિવર્સિટીની સ્થાપના કરવાની બિલકુલ પરવાનગી આપી શકાય નહીં.

mumbai news mumbai sanjay gandhi national park maharashtra government maharashtra news maharashtra maharashtra forest department